ચીન અને યુએસ વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડિલ અંગેની વાટાઘાટો સફળ રહેતાં અને બન્ને દેશોએ એકબીજા પર લાદેલી ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જાહેરાત કરતાં યુએસનું અર્થતંત્ર મંદ પડશે એવી ભીતિ લગભગ દુર થઇ હતી.

આના પગલે યુએસમાંથી પોતાની આવકનો મોટો હિસ્સો મેળવતી ભારતની આઇટી કંપનીઓના શેરોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી અને નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 6.70 ટકા ઉછાળા સાથે બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સમાં જોવા મળેલો આ ઉછાળો છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો ઉછાળો હતો. આજે નિફ્ટી આઇટી ઇન્ડેક્સના તમામ 10 ઘટક શેરો 5 ટકાથી પણ વધુ ઉછાળા સાથે વધીને બંધ રહ્યા હતા. ઓરેકલ ફાયનાન્સિયલ સર્વિસીસ સોફ્ટવેર, ઇન્ફોસીસ અને કોફાર્જ જેવા શેરોમાં તો ઇન્ટ્રા ડેમાં 9 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફની જાહેરાત કરી તે પછી આઈટી શેરોમાં કડાકો બોલ્યો હતો અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ગયો હતો. જે પછી હવે આ ઇન્ડેક્સમાં તેજી આવી છે.