યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 8મી એપ્રિલે ચીન સિવાયના બાકીના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે મોકુફ રાખવાની જાહેરાત કરી તે પછી નવમી એપ્રિલથી ભારતીય શેરબજાર રિબાઉન્ડ થયા હતા, પરંતુ આ તેજીમાં શેરબજારના વિવિધ ક્ષેત્રના શેરોની વ્યાપક ભાગીદારી જોવા મળી નથી.

આના કારણે નિફ્ટી પરના કુલ 30 જેટલા સેકટોરલ કે થિમેટીક ઇન્ડેક્સમાં 25 જેટલા ઇન્ડેક્સ હજી તેજીમાં ઘણા પાછળ રહી ગયા છે. હાલમાં મુખ્ય સૂચકાંકો તેમની વિક્રમી ટોચથી જેટલા નીચા છે તેના પ્રમાણમાં આ ઇન્ડેક્સ તેમની વિક્રમી ટોચથી ઘણા જ વધારે પ્રમાણમાં નીચા છે.

સપ્ટેમ્બર, 2024માં ભારતીય શેરબજારમાં મંદીનો તબક્કો ચાલુ થયો અને માર્ચના પ્રથમ પખવાડિયા સુધીમાં તે તીવ્રતાપૂર્વક આગળ વધ્યો તે પછી મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી આશરે 11 ટકા જેટલા રિબાઉન્ડ થયા છે. આમ છતાં હજી પણ આ બન્ને સૂચકાંકો તેમની વિક્રમી ટોચથી અનુક્રમે 5.61 ટકા અને 6.99 ટકા જેટલા નીચા છે. આની તુલનાએ નિફ્ટી મિડિયા ઇન્ડેક્સ તેની સર્વોચ્ચ સપાટીથી હજી 27 ટકા જેટલો નીચે છે. આવી જ રીતે રિઆલ્ટી ઇન્ડેક્સ 24 ટકા, એનર્જી ઇન્ડેક્સ 23 ટકા, પીએસયુ ઇન્ડેક્સ 20 ટકા, માઇક્રોકેપ ઇન્ડેક્સ 18 ટકા અને આઇટી ઇન્ડેક્સ 17 ટકા જેટલા નીચા છે. મુખ્ય સૂચકાંકો કરતાં સારુ પ્રદર્શન કરવામાં બેંક નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ મોખરે છે. આ બન્ને ઇન્ડેક્સ તેમની સર્વોચ્ચ સપાટીથી અનુક્રમે 1.28 ટકા અને 1.34 ટકા જ નીચા છે.