માન્ય ખરીદી ઈન્વોઈસ હોય તો પણ છૂટક અને જથ્થાબંધ મેડિસિન વિક્રેતાઓની જવાબદારી નક્કી કરવા માટે ભારતનું સર્વોચ્ચ દવા નિયનકાર કડક નિયમો લાવવા પર કામ કરી રહ્યું છે.
હાલમાં ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 19 હેઠળ ફક્ત ઉત્પાદકો પર જ કાર્યવાહી કરવામાં આવે છે. સપ્લાય ચેઈનમાં વેપારીઓ જવાબદારીમાંથી બાકાત છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ અમલીકરણને કડક બનાવવાના વિકલ્પો તપાસવા એક સમિતિની રચના કરી છે. જેનો હેતુ બજારમાં નકલી દવા આવતી અટકાવવા માટેનો છે. બજારમાં નકલી દવાઓના પ્રવેશ માટે જે નિયમનકારી છટકબારીઓ છે તેને દૂર કરવામાં આવશે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે વિદેશમાં બાળકોના મૃત્યુ સાથે ભારતમાં બનેલ કફ સિરપને જોડતાં અહેવાલોને કારણે વિશ્વની ફાર્મસી તરીકે ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત નિયમો કદાચ કાનૂની મુક્તિઓને દૂર કરશે, જે હાલમાં રિટેલર્સ અને જથ્થાબંધ વેપારીઓને માન્ય ખરીદી ઈન્વોઈસ રજૂ કરવાથી કાનૂની કાર્યવાહીથી બચાવે છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, એક સમિતિની રચના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં પોતાનો અહેવાલ સુપરત કરશે. સમિતિએ સ્ટેટ લાઈસન્સિંગ ઓથોરિટી (એસએલએ) પાસેથી સૂચનો માંગ્યા છે કે, સજા કેટલી હદ સુધી લંબાવી શકાય. હાલમાં ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટ 1940માં કેટલીક છૂટછાટો છે. જેથી આ છટકબારીઓને બંધ કરવાની યોજના છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)ના નેતૃત્વમાં ડિસેમ્બરમાં યોજાયેલી ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટિ (ડીસીસી)ની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. હાલ આ અંગે નિયમોનું વિસ્તરણ કરવા માટે ચર્ચા ચાલી રહી છે. નકલી દવાઓના ઉત્પાદકો, વિતરકો અને વેચાણકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવી સમયની માંગ છે. સૂચિત નિયમો સંભવતઃ કાનૂની મુક્તિઓને દૂર કરશે.