- રોજગારીમાં મોટું યોગદાન આપતાં ક્ષેત્રને રાહત આપવા વિચારણા
- અગાઉ આરબીઆઇએ પણ કોવિડ વખતે કામચલાઉ ધોરણે આ પ્રકારે રાહત આપી હતી
- એમએસએમઇ એનપીએ ક્લાસિફિકેશન પિરિયડ કામચલાઉ ધોરણે 90 દિવસથી વધારીને 180 દિવસ કર્યો હતો
હાલમાં એમએસએમઇને એનપીએ તરીકે વર્ગીકૃત કરવા માટે આવા એકમોને આપવામાં આવેલી લોનની પરત ચુકવણી માટે જે 90 દિવસની મર્યાદા છે.
તે વધારીને 180 દિવસ કરવા સરકાર વિચારણા કરી રહી છે અને આ અંગેની જાહેરાત આગામી બજેટમાં કરવામાં આવે એવી શક્યતા છે, એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીએ આપી હતી. અગાઉ કોવિડની મહામારી હતી તે સમયગાળામાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ પ્રકારે એમએસએમઇ એનપીએ ક્લાસિફિકેશન પિરિયડ કામચલાઉ ધોરણે 90 દિવસથી વધારીને 180 દિવસ કર્યો હતો.
આ ઉપરાંત આ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે એમએસએમઇ માટેના જે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ્સ (એસએમએ) હોય છે તે અંગેના નિયમોમાં પણ કેટલીક રાહત આપવા માટે સરકાર વિચારણા કરી રહી છે અને આ અંગેની જાહેરાત પણ આગામી કેન્દ્રિય બજેટમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એમએસએમઇને જે લોન આપવામાં આવી હોય તે પછી આ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થઇ શકે છે એવા સંકેતો મળે તો લોન આપનારી બેંકો આવા લોન ખાતાને એસએમએ તરીકે વર્ગીકૃત કરે છે.
એમએસએમઇ દેશમાં રોજગારી આપવામાં કૃષિક્ષેત્ર પછી બીજા ક્રમે આવે છે અને દેશની જીડીપીમાં પણ તેમનું યોગદાન 29 ટકા જેટલું છે. આ ઉપરાંત દેશની નિકાસમાં પણ તેમનો ફાળો આશરે 45 ટકા જેટલો છે. જોકે આ એકમોને તેમનું પેમેન્ટ મેળવવામાં વખતો વખત વિલંબનો સામનો કરવો પડે છે અને તેથી તેઓ લોનની ચુકવણીમાં નિયમિતતા જાળવી શકતા નથી. આ જ હેતુથી સરકારે પહેલી એપ્રિલથી એમએસએમઇ એકમોને બાકી રકમની ચુકવણી 45 દિવસમાં કરી દેવાનો અને જો આ પ્રકારે ચુકવણી ન થાય તો ચુકવણી કરવાની હોય એ કંપનીને આ રકમ ખર્ચમાં બાદ નહીં આપવાનો નિયમ અમલી બનાવ્યો હતો. આ નિયમનો ઘણો વિરોધ થયો હોવાથી તેમાં થોડી રાહત આપવામાં આવે એવી શક્યતા પણ નિવારી શકાતી નથી.