દેશનું અગ્રણી શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) સમક્ષ તેના પડતર કેસનું સમાધાન કરવા માટે રૂ. 1,100 કરોડ ચુકવવા તૈયાર છે અને આ સમધાન કરીને તે પોતાની આઇપીઓ લોંચ કરવાની યોજનાને આગળ વધારવા માંગે છે.

એવી સમાચારોને પગલે ગ્રે માર્કેટમાં એનએસઇના શેરના ભાવ રૂ. 2,200ની વિક્રમી ટોચે પહોંચ્યા હતા. દેશના સૌથી મોટા આ શેરબજારના લિસ્ટિંગ પહેલાં જ તેના ભાવ ગ્રે માર્કેટમાં આ સપાટીએ પહોંચતા આ ભાવના આધારે ગણતરી કરીએ તો એનએસઇનું કુલ એમ કેપ રૂ. 5.44 લાખ કરોડની સપાટીએ પહોંચે છે અને આ સાથે તે દેશની સૌથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓમાં 11મું સ્થાન મેળવે છે. એનએસઇના એમ કેપનો આ સુચિત આંકડો અગ્રણી કંપનીઓ આઇટીસી અને એલ એન્ડ ટીના એમ કેપ કરતાં પણ વધારે છે. આની તુલનાએ એનએસઇના સૌથી મોટા પ્રતિસ્પર્ધક અને લિસ્ટેડ કંપની બીએસઇનું એમ કેપ હાલમાં રૂ. 97,840 કરોડ છે. હાલમાં બીએસઇના શેરનો ભાવ રૂ. 2,400 છે અને તે લિસ્ટિંગના દિવસથી અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વધ્યો છે.

ગ્રે માર્કેટમાં NSEનો ભાવ ઊંચો હોવાનું કારણ એ છે કે NSEની સૌથી મોટી સ્પર્ધક કંપની બીએસઇના શેરનું 2017માં લિસ્ટિંગ થયું તે પછી ઊંચુ વળતર આપ્યું છે. બીએસઇના ઇશ્યુ પહેલા તેના શેરનો ભાવ રૂ. 200 હતો અને IPO અંતર્ગત આ શેર રૂ. 806ના ભાવે ફાળવવામાં આવ્યો હતો. તે પછી આ શેર રૂ. 1,069ના ભાવે લિસ્ટ થયો હતો. બીએસઇની શેરે આપેલા આવા જંગી વળતરને પગલે હવે એનએસઇના શેરમાં સંસ્થાકીય રોકાણકારો ખૂબ જ રસ ધરાવે છે અને તેથી જ તેની માંગ વધુ રહેતા ગ્રે માર્કેટમાં તેનો ભાવ ખૂબ જ ઊંચો ગયો છે. હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 19.2 લાખ કરોડના એમ કેપ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે અને તે પછી રૂ. 14.8 લાખ કરોડના એમ કેપ સાથે HDFC બેંક બીજા સ્થાને આવે છે. રૂ. 12.7 લાખ કરોડના એમ કેપ સાથે ટીસીએસ ત્રીજા ક્રમે, રૂ. 10.5 લાખ કરોડ સાથે ભારતી એરટેલ ચોથા અને રૂ. 10.3 લાખ કરોડ સાથે ICICI બેંક પાંચમાં સ્થાને આવે છે.

એનએસઇ આશરે એક દસકાથી આઇપીઓ લાવવા પ્રયત્નશીલ છે

એનએસઇએ 2016માં સૌપ્રથમ વાર આઇપીઓ લાવવા માટે ફાઇલિંગ કર્યું હતું. જોકે તે પછી ઊભા થયેલા અનેક વિવાદોને કારણે એનએસઇનું લિસ્ટિંગ આ ફાઇલિંગને આશરે એક દસકા જેટલો સમય વીતી ગયો તેમ છતાં થઇ શક્યું નથી. પાછલા સપ્તાહે જ સેબીના ચેરમેન તુહીન કાંત પાંડેએ એવું નિવેદન આપ્યું હતું કે સેબી એનએસઇ સાથેના તમામ વિવાદોનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ છે. આના કારણે હવે ટુંક સમયમાં જ એનએસઇનો આઇપીઓ આવશે એવી આશા બંધાઇ છે. એનએસઇએ માર્ચના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3,771 કરોડની આવક નોંધાવી હતી, જે પાછલા વર્ષના સમાન ગાળાની રૂ. 4,625 કરોડની આવકની તુલનાએ 18 ટકાનો ઘટાડો દર્શાવે છે. એનએસઇના શેરહોલ્ડરોની સંખ્યા માર્ચ ક્વાર્ટરને અંતે 33,896 હતી તે તાજેતરમાં વધીને 1 લાખ થઇ છે.