વર્ષ 2025માં અત્યાર સુધીમાં ભારતીય કંપનીઓએ 10 આઇપીઓ દ્રારા રૂ. 18,704 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે, જેની તુલનાએ 2024માં આ જ સમયગાળામાં 27 આઇપીઓ હેઠળ કુલ રૂ. 24,437 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.

આમ ચાલુ કેલેન્ડર વર્ષમાં આઇપીઓની સંખ્યામાં પાછલા વર્ષની તુલનાએ આશરે 62 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આઇપીઓની સંખ્યામાં થયેલા આટલા નોંધપાત્ર ઘટાડા માટે સ્થાનિક અને વૈશ્વિક પરિબળોના કારણે શેરબજારમાં જોવા મળેલી મંદી જવાબદાર છે. જોકે માર્ચ અને એપ્રિલ મહિનમાં શેરબજારમાં ધીમે ધીમે તેજીનો સંચાર થઇ રહ્યો હોવાથી હવે આઇપીઓ બજારમાં પણ ધમધમાટ શરૂ થઇ શકે છે.

જોકે મહત્ત્વની વાત એ છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આઇપીઓની સંખ્યા ઘટી છે તેમ છતાં ઇશ્યુ અંતર્ગત એકત્રિત કરાતા ભંડોળની સરેરાશમાં વધારો થયો છે. 2024માં 15 મે સુધી આવેલા આઇપીઓનું સરેરાશ કદ રૂ. 905 કરોડ હતું, જે 2025માં આશરે બમણું થઇને રૂ. 1,870 કરોડ પર પહોંચ્યું છે, જેના માટે હેક્સાવેર ટેકના રૂ. 8,750 કરોડના, ડો. અગ્રવાલ્સ હેલ્થના રૂ. 3,027 કરોડના અને અથર એનર્જીના રૂ. 2,981 કરોડના આઇપીઓ જેવા મોટા કદના આઇપીઓ જવાબદાર છે.

રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ખરાબ સમાચાર એ છે કે 2025માં આવેલા તમામ 10 આઇપીઓ લિસ્ટિંગ પછી મંદીનો સામનો કરી રહ્યા છે. આ 10 પૈકી 6 આઇપીઓ અંતર્ગત જારી કરવામાં આવેલા શેરના ભાવ હાલમાં ઇશ્યુ પ્રાઇસથી નીચે છે. અથર એનર્જી, ક્વોલિટી પાવર, ઇન્ડો ફાર્મ અને સ્ટેલિયોન ઇન્ડિયા જેવા શેરના ભાવ તો તેમની ઇશ્યુ પ્રાઇસથી 38 ટકા જેટલા ઘટાડો ચાલી રહ્યા છે. આના કારણે રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો આઇપીઓ અંતર્ગત રોકાણ કરવામાં સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે અને આ હકીકતને ધ્યાનમાં રાખીને આઇપીઓ લાવવા મંજૂરી મળી ગઇ હોય તેમ છતાં કંપનીઓ તેમના આઇપીઓના લોંચિગને મોકુફ રાખવામાં જ શાણપણ માને છે. જોકે આઇપીઓ લાવવામાં ભલે વિલંબ થઇ રહ્યો હોય પરંતુ સંખ્યાબંધ કંપનીઓ આઇપીઓ લાવવા માટે કતારમાં છે. હાલમાં કુલ 80 જેટલી કંપનીઓએ સેબી સમક્ષ આઇપીઓ લાવવા માટેની દરખાસ્ત રજુ કરી દીધી છે અને તેમાંથી 40 જેટલી કંપનીઓને તો મંજૂરી પણ મળી ગઇ છે.