પીએમ ઇન્ટર્નશીપ યોજનાને પહેલા તબક્કામાં ખૂબ જ મોળો પ્રતિસાદ મળ્યો છે.

આ તબક્કા હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે થયેલી કુલ 6,21,000 અરજીઓમાંથી માત્ર 82,077ને એટલે કે માત્ર 13.21 ટકાને જ ઇન્ટર્નશીપની ઓફર થઇ હતી અને તેમાંથી માત્ર 28,141 ઉમેદવારોએ એટલે કે અરજી કરનારામાંથી માત્ર 4.53 ટકા એ જ આ ઓફર સ્વીકારી હતી. આમાંથી પણ હકીકતમાં તાલીમ પૂરી કરનારાની સંખ્યા માત્ર 8,000 જ છે. એટલે કે અરજી કરનારામાંથી માત્ર 1.28 ટકાને જ તાલીમ પૂરી કરવાનો મોકો મળ્યો છે. આટલા નબળા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સરકારે 2025-26ના નાણાકીય વર્ષ માટે કુલ 7 લાખ યુવાનોને આ યોજના અંતર્ગત તાલીમ આપવાનો મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્યાંક 2024-25 માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંક કરતાં આશરે 6 ગણો વધારે છે.

2024-25 માટે આ યોજના અંતર્ગત તાલીમ આપવા માટે 1.25 લાખનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, જેનાથી અડધા યુવાનોને તાલીમ આપવામાં આ યોજના નિષ્ફળ ગઇ છે. હવે 2025-26નો લક્ષ્યાંક હાંસલ થાય તે માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલમાં કંપનીઓ તબક્કાવાર અને સરકાર સુચના આપે ત્યારે ઉમેદવારને તાલીમ માટે રોકી શકે છે, પરંતુ હવે કંપનીઓને સંપૂર્ણ વર્ષ દરમિયાન યુવાનોને તાલીમ માટે રાખી શકે એવી છુટ આપવામાં આવશે. આ ઉપરાંત પસંદ થનારા ઉમેદવારને તેની નજીક આવેલી કંપનીઓમાં ઇન્ટર્નશીપની તક મળી શકે એવી જોગવાઇ પણ આ યોજનામાં કરવામાં આવી રહી છે.