સતત એકધારી તેજી બાદ ઉપલા મથાળે નવી ડિમાન્ડનો અભાવ અને નફરૂપી વેચવાલીના પગલે ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સોના અને ચાંદીમાં ઘટાડો થયો હતો.
વૈશ્વિક બજારોમાં પણ હાજર બજારમાં કીમતી ધાતુઓમાં નરમીનો માહોલ જોવા મળ્યો હતો. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ભાવો સતત ઊંચકાયા બાદ માંગ ધીમી પડી છે અને વેચવાલીનું પ્રેશર વધ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી બુલિયનમાં વેચવાલીને ટેકો મળ્યો હતો.
અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 500 ઘટીને રૂ. 81,000 થયું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 79,800 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદી રૂ. 1,000 નીચી આવી રૂ. 98,000 પ્રતિ કિલો થઈ હતી. વૈશ્વિક હાજર બજારમાં સોનું 12 ડોલર ઘટીને 2,738 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 20 સેંટ ઘટીને 34.35 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
વાયદામાં MCX ઉપર સોનાનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 512 વધીને રૂ. 77,812 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 790 વધીને રૂ. 96,960 પ્રતિ કિલો થઈ હતી. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ સોનું 21.40 ડોલર વધીને 2750.80 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 36.60 સેંટ વધીને 34.20 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
કોમોડિટી વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, જે પ્રકારે છેલ્લા એક સપ્તાહથી ભાવો વધી રહ્યા હતા તેમાં કરેક્શન આવે તે અપેક્ષિત હતું. ઉપલા મથાળે નફરૂપી વેચવાલીઅને ડોલર ઇન્ડેક્સ 104.4 પોઈન્ટ પર પહોંચી જતાં બુલિયનમાં રોકાણ ધીમું પડયું છે. બીજી તરફ્ ફેડ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અટકળો પણ ઓછી થઈ રહી છે જેના પગલે કરેક્શન થોડો સામે રહે તેવી સંભાવના છે. રોકાણકારોની નજર આ સપ્તાહે આવનારા US જોબલેસ ડેટા ઉપર રહેશે. જો આંકડા અપેક્ષા કરતાં નીચા આવશે તો બુલિયનમાં દબાણ વધશે અને ભાવ નીચા આવશે.