યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ભારે ડયૂટી લાદતા ચીન સાથે ઊભી થયેલા ટેન્શનના કારણે આઇ-ફોનનું ઉત્પાદન કરતી કંપની એપલ 2026 સુધીમાં વિશ્વમાં આઇ-ફોનનું જે કુલ ઉત્પાદન થાય છે તેમાંથી 25 ટકા ક્ષમતા ચીનમાંથી ખસેડીને ભારત લાવવા માટે આયોજન કરી રહી છે.
નાણાકીય વર્ષ 2024-25ના અંતે આઇ-ફોનના કુલ વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને 20 ટકા થયો હતો, જે નાણાકીય વર્ષ 2023-24માં 14 ટકા હતો. ભારત સરકાર દ્રારા પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજના લોંચ કરવામાં આવી તે પછીના ચાર વર્ષમાં ભારતમાં આઇ-ફોનના ઉત્પાદનની ટકાવારી શૂન્યમાંથી વધીને 20 ટકા થઇ છે.
હાલમાં વિશ્વમાં જે કુલ આઇ-ફોનનું ઉત્પાદન થાય છે તેમાંથી 80 ટકા ઉત્પાદન ચીન કરે છે અને આ ઉત્પાદનનો ઉપયોગ ચીનના બજારની માંગ સંતોષવા ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં નિકાસ માટે કરવામાં આવે છે. જોકે હાલમાં યુએસ અને ચીન વચ્ચે જે રીતે ટ્રેડ વોર ચરમસીમાએ પહોંચ્યું છે તેને ધ્યાનમાં રાખીને હવે આ ફોનનું ઉત્પાદન કરતી કંપની એપલ ભારતમાં વધુ ઉત્પાદન કરવા માટે નજર દોડાવી રહી છે, કારણ કે ટ્રેડ વોરને પગલે ભારત ચીન કરતાં વધુ લાભદાયક સ્થિતિમાં છે. નિષ્ણાતોના મતે હાલમાં તો ભારતમાં ઉત્પાદનની ટકાવારી 25 ટકા જેટલે જ લઇ જવાની એપલની યોજના છે, પરંતુ ભવિષ્યમાં એપલ આનાથી પણ વધારે ઉત્પાદન ભારતમાં ખસેડી શકે છે. યુએસએ 12મી એપ્રિલે ઇલેક્ટ્રોનિક્સની આયાત પરની રેસિપ્રોકલ ટેરિફનો અમલ મુલતવી રાખ્યો તેમ છતાં હાલમાં ચીનમાંથી થતી આયાત પર યુએસમાંં 20 ટકા ડયુટી તો લાગે જ છે. આ ડયૂટી અગાઉના ચીન અને યુએસના ટ્રેડ વોરને કારણે લાદવામાં આવેલી છે. આની તુલનાએ ભારતમાંથી થતી આયાત પર શૂન્ય ડયૂટી લાગે છે. આના કારણે જો ભારતમાં આઇ-ફોનનું ઉત્પાદન કરીને જો યુએસમાં તેની નિકાસ કરવામાં આવે તો પડતર કિંમતમાં 20 ટકાનો ઘટાડો થાય છે. આના કારણે યુએસના બજારમાં મોટી ઉપસ્થિતિ ધરાવતી એપલ જેવી કંપનીઓ માટે ભારત ઉત્પાદન માટેનું એક આકર્ષક સ્થળ બની જાય છે.
ભારત કેવી રીતે ચીન કરતા લાભદાયક સ્થિતિમાં
મેઇડ ઇન ચાઇના ઇલેક્ટ્રોનિક્સ આઇટમની યુએસમાં આયાત પર હાલમાં 20 ટકા ડયુટી લાગે છે, જ્યારે ભારતમાં ઉત્પાદિત સાધનો પર શૂન્ય ડયુટી લાગે છે
ભારત સરકારે 2020માં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો માટે પીએલઆઇ સ્કીમ જાહેર કરી તે પછી એપલે ભારતમાં આઇ-ફોન્સનું ઉત્પાદન શરૂ કર્યું છે
2024-25ના વર્ષમાં એપલ દ્રારા ભારતમાં ઉત્પાદન કરવામાં આવેલા આઇ-ફોનનું મૂલ્ય 22 અબજ ડોલર હતુ, જેમાંથી 80 ટકા ફોનની નિકાસ કરવામાં આવી હતી.