જયપુર સ્થિત એક રિસોર્ટે રૂ. 2.66 કરોડની કરચોરી અંગે જીએસટી વિભાગની નોટિસ મળતા રિતેશ અગ્રવાલની આગેવાનીમાં કાર્યરત ઓયો સામે એક એફઆઇઆર દાખલ કરી છે.
ટ્રાવેલ બુકિંગ પોર્ટલ ઓયોએ ખોટી માહિતી આપતા રિસોર્ટને આ નોટિસ ફટકારવામાં આવી છે એવો દાવો આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. જયપુરના અશોક નગર પોલિસ સ્ટેશનમાં મદન જૈન દ્રારા આ એફઆઇઆઇ દાખલ કરવામાં આવી હતી.
સ્મસકારા રિસોર્ટ સાથે સંકળાયેલા જૈને આ ફરિયાદમાં જણાવ્યું છે કે ઓયોએ પોતાના ટર્નઓવરને ખૂબ જ ઊંચુ દર્શાવવા સ્મસકારા રિસોર્ટના નામે હજારો ખોટા બુકિંગ દર્શાવવામાં આવ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને જીએસટી વિભાગ દ્રારા આટલી જંગી રકમનો ટેક્સ ભરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ફરિયાદમાં ઉપલબ્ધ વધુ રસપ્રદ બાબત એ છે કે આ રિસોર્ટે ઓયો સાથે બુકિંગ માટે 18 એપ્રિલ, 2029ના રોજ 12 મહિનાની મુદત ધરાવતો એક કરાર કર્યો હતો. આમ છતાં ઓયો દ્રારા નાણાકીય વર્ષ 2018-19, 2019-20 અને 202-21 માટે રિસોર્ટનું બુકિંગ કરવામાં આવ્યું છે એવું તેના હિસાબી ચોપડામાં દર્શાવવામાં આવ્યું હતું.
ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 18મી એપ્રિલ, 2019થી 20મી એપ્રિલ, 2020ના સમયગાળામાં ઓયો તરફથી રિસોર્ટને કુલ રૂ. 10.95 લાખનો બિઝનેસ મળ્યો હતો અને આ પેટે ચુકવવાનો થતો જીએસટી રિસોર્ટે ઓયોને એ જ સમયે ચુકવી દીધો છે. જોકે ઓયોએ તેના ચોપડામાં એવું દર્શાવ્યું હતું કે આ સમયગાળામાં તેણે સંબંધિત રિસોર્ટને રૂ. 22.22 કરોડનો બિઝનેસ આપ્યો છે, જેને કારણે જીએસટી વિભાગે રિસોર્ટને રૂ. 2.66 કરોડનો ટેક્સ ભરવા માટે નોટિસ ફટકારી હતી.
ઓયો સામે દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ઓયો કંપની ઉપરાંત કંપનીના ફાઉન્ડર અને સીઇઓ રિતેશ અગ્રવાલ અને અન્ય અધિકારીઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, બનાવટ અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ આ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
રાજસ્થાનના હોટલ ફેડરેશનના પ્રેસિડેન્ટે પણ ઓયો પર જીએસટી ઓફિસમાં વાસ્તિવક બિઝનેસ કરતાં અત્યંત ઊંચી રકમના બિલો દર્શાવવાનો અને તેના કારણે આશરે 20 હોટલોને જીએસટીની નોટિસ મળી હોવાનો દાવો કર્યો છે. આવી ગેરરીતિને ધ્યાનમાં રાખીને રાજસ્થાનની હોટલોએ ઓયો સામે એક અભિયાનનો પ્રારંભ કર્યો છે અને ઘણી બધી હોટલોએ અમે ઓયો બુકિંગ્સ સ્વીકારતા નથી એવા બોર્ડ લગાવ્યા છે.