યુએસ દ્રારા ચીનથી થતી આયાત પર 125 ટકા ડયુટી લાદવામાં આવતા યુએસના ગ્રાહકો દ્રારા ચાઇનીઝ કંપનીઓને આપવામાં આવતા નવા ઓર્ડરમાં જંગી ઘટાડો થયો છે.
યુએસની માંગ ઘટતા ચીનની ઇલેક્ટ્રોનિક્સ અને તેના પાર્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે હવે ઉત્પાદન થનારો માલ ક્યા વેચવો એ એક મોટી સમસ્યા થઇ ગઇ છે. આવા સંજોગો પહેલો સગો પાડોશી એ નાતે હવે ચીની કંપની ભારત પર નજર દોડાવી રહી છે અને ભારતના ઇલેક્ટ્રોનિકસ પાર્ટ્સના આયાતકારોને હાલના ભાવમાં 5 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી રહી છે. ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સમાં આટલું ડિસકાઉન્ટ ઘણું મોટું ગણાય છે કારણ કે આવા સાધનોના વેપારમાં માર્જિનની ટકાવારી ઘણી ઓછી એટલે કે 4થી 7 ટકા જેટલી જ હોય છે. આથી ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સની આયાત કરી સ્માર્ટ ફોન, ફરીજ, ટીવી વગેરેનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરતી કંપનીઓની નફાકારકતામાં 2 થી 3 ટકાનો વધારો થઇ શકે છે. આમાંથી આ આયાતકારો કેટલોક લાભ ગ્રાહકોને પણ પાસ ઓન કરે એવી શક્યતા નકારી શકાય એમ નથી. આથી યુએસની ટેરિફ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોની ખરીદી કરવા માંગતા ગ્રાહકો માટે એક છુપા આશીર્વાદ સમાન સાબિત થઇ શકે છે.
