હાલમાં બજારમાં જોવા મળતી તેજીનો લાભ ઉઠાવતા હોય એમ પ્રમોટર્સ દ્રારા તેમની કંપનીમાં શેરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ આવા વેચાણના કારણે સંબંધિત કંપનીમાં તેમનો હિસ્સો 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઘણા વર્ષોની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. બ્લોક ડીલ અને ઓફર ફોર સેલ દ્રારા આ પ્રકારે શેરવેચાણ કરવામાં આવી રહ્યું હોવાથી આ હિસ્સો તળિયે પહોંચ્યો છે. જોકે આવું શેરવેચાણ કમાણી કરવાના આશયથી નહીં પરંતુ એક વ્યુહાત્મક પગલાં તરીકે અને સંખ્યાબંધ કિસ્સામાં બજારભાવથી ડિસ્કાઉન્ટે કરવામાં આવી રહ્યું હોવાથી નિષ્ણાતો આને શેરબજાર માટે સારો સંકેત ગણાવતા નથી. મે, 2025માં જ પ્રમોટર્સ દ્રારા શેરવેચાણ કરવામાં આવ્યું હોય એવા સોદાનું કદ રૂ. 58,000 કરોડ થાય છે, ઓગસ્ટ, 2024ના રૂ. 75,000 કરોડના આંકડા પછીની સૌથી ઊંચી સપાટી છે. શેરના ભાવ ઊંચા છે છતાં પ્રમોટર્સ દ્રારા ડિસ્કાઉન્ટમાં શેરવેચાણ કરીને હિસ્સો ઘટાડવામાં આવી રહ્યો છે તે બાબત ભયની નિશાની છે એમ નિષ્ણાતો જણાવે છે. તાજેતરમા બ્રિટિશ અમેરિકન ટોબેકોએ આઇટીસીમાં તેનો હિસ્સો વેચ્યો તે સોદો બજારભાવથી આશરે 8 ટકા ડિસ્કાઉન્ટે કરવામાં આવ્યો હતો. આવી જ રીતે રાકેશ ગંગવાલે ઇન્ડિગોમાં તેમનો હિસ્સો વેચ્યો તે સોદો બજારભાવથી 3.5 ટકા ડિસ્કાઉન્ટે કરવામાં આવ્યો હતો. સાજન જિંદાલ ફેમિલિ ટ્રસ્ટે જેએસડબ્લ્યુ ઇન્ફ્રામાં 3 ટકા ડિસ્કાઉન્ટે આંશિક હિસ્સાનું વેચાણ કર્યું હતું. સિંગાપોર ટેલિકોમ્યુનિકેશન્સ (સિંગટેલ)એ ભારતી એરટેલનો તેનો હિસ્સો 3.6 ટકા ડિસ્કાઉન્ટે અને વેંડટ જીએમબીએચએ વેંડટ ઇન્ડિયામાં તેનો હિસ્સો ઓફર ફોર સેલ દ્રારા 38 ટકા ડિસ્કાઉન્ટે વેચ્યો હતો. આવી જ રીતે પારસ ડિફેન્સ , પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને ટીડી પાવરસિસ્ટમ્સમાં પ્રમોટર્સે તેમના હિસ્સાનું વેચાણ આશરે 5 ટકા ડિસ્કાઉન્ટે કર્યું હતું.

પ્રમોટર્સ શેરવેચાણના સૌથી મોટા ત્રણ સોદા ડિસ્કાઉન્ટમાં થયા

નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં પ્રમોટર્સના જે શેરવેચાણના જે સૌથી મોટું કદ ધરાવતા સોદા થયા છે તેમાં ભારતી એરટેલનો રૂ 13,200 કરોડના સોદાનો, આઇટીસીના રૂ. 13,000 કરોડના સોદાનો અને ઇન્ડિગોના રૂ. 11,564 કરોડના સોદાનો સમાવેશ થાય છે, આ ત્રણેય સોદા બજારભાવથી અનુક્રમે 3.6 ટકા, 8 ટકા અને 3.5 ટકા ડિસ્કાઉન્ટે થયા છે.