કેેન્દ્ર સરકાર વિદેશી કંપનીઓને લાભ થાય એવા નિર્ણયો લઇ રહી હોવાની પ્રતિતી કરાવતા એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે મહત્ત્વપૂર્ણ ગણાતી 6 ગિગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના ચોક્કસ હિસ્સાનો ઉપયોગ લાયસંસ વગર કરવા દેવાની છુટ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે. આના કારણે વાઇફાઇની સ્પિડ અનેકગણી વધી જાય તે માટેનો માર્ગ મોકળો થશે અને તેના કારણે વિદેશી કંપનીઓ સોની, એપલ અને મેટા જેવી કંપનીઓની ડિવાઇસ જેવી કે સોની પ્લેસ્ટેશન પ્રો અને મેટા તથા એપલના વર્ચ્યુઅલ રિઆલ્ટી ગિયર વગેરેની કનેક્ટિવીટી માટેની વાઇફાઇની સ્પિડની જરૂરિયાત સંતોષાશે. બીજી તરફ સ્થાનિક ટેલિકોમ કંપનીઓ જેવી કે ભારતી એરટેલ, વોડાફોન આઇડિયા અને રિલાયન્સ જિયો આ સ્પેક્ટ્રમની સંપૂર્ણ બેન્ડ 5જી અને 6જી સેવાઓ માટે લાયસંસ ધરાવતી ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓ માટે અનામત રાખવા માંગણી કરી રહી છે.
6 ગિગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની બેન્ડનો ઉપયોગ શેના માટે કરવો તે અંગે સ્થાનિક ટેલિકોમ કંપનીઓ અને વિદેશી ટેક કંપનીઓ વચ્ચે વિવાદનો મુદ્દો બન્યો છે. આ અગેના નિયમો પ્રત્યેક દેશોમાં જુદા જુદા હોય છે. યુએસ જેવા કેટલાક દેશોએ 6 ગિગાહર્ટ્ઝની સ્પેક્ટ્રમની સંપૂર્ણ 1,200 મેગાહર્ટ્ઝ બેન્ડ લાયસંસ વગર વપરાતી સેવાઓ માટે ફાળવી છે, જ્યારે કેટલાક અન્ય દેશો આ બેન્ડમાંથી 500 મેગાહર્ટ્ઝ બેન્ડની ફાળવણી આ પ્રકારના ઉપયોગ માટે કરી છે, જ્યારે બાકીની બેન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ સેવા માટે ફાળવવામાં આવી છે. ભારતે પણ સુચિત પ્રસ્તાવ મુજબ બેન્ડની ફાળવણી બન્ને પ્રકારના ઉપયોગ માટે વહેંચી દેવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારના સંદેશા વહેવાર વિભાગે તાજેતરમાં જાહેર કરેલા નિયમો અંગેના મુસદ્દામાં આ સ્પેક્ટ્રમની 5925થી 6425 મેગાહર્ટ્ઝ બેન્ડ લાયસંસ વગરની સેવાઓ માટે ફાળવવાનો અને બાકીની બેન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ સેવાઓ માટે ફાળવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી ટેક કંપનીઓ ખુશ છે કારણ કે તેનાથી નેક્સ્ટ જનરેશન હાઇ સ્પિડ વાઇફાઇને ઉત્તેજન મળશે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2023માં ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન (આઇટીયુ)એ 6425થી 7125 મેગાહર્ટ્ઝની બેન્ડ રેન્જ લાયસંસ્ડ ટેલિકોમ ઓપરેટર્સ માટે અનામત રાખવાનો નિર્ણય લીધો હતો.










