ઇન્ડસઇન્ડ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓએ તાત્કાલિક અસરથી રાજીનામું આપતા તેમની ગેરહાજરીમાં બેંકના સંચાલન પર દેખરેખ રાખવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ એક વચગાળાની કમિટિ ઓફ એક્ઝિક્યુટિવ્સની રચનાને મંજૂરી આપી છે, એવી જાહેરાત આ બેંકે સ્ટોક એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગ હેઠળ કરી હતી.
બેંક દ્રારા રચવામાં આવેલી આ કમિટિમાં બેંકના કન્ઝયુમર બેકિંગના હેડ સૌમિત્ર સેન અને ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અનિલ રાવ સમાવિષ્ટ છે. આ કમિટી બેંકના રોજબરોજના કારોબાર પર દેખરેખ રાખશે અને આ સમગ્ર પ્રક્રિયા પર બેંકના બોર્ડની ઓવરસાઇટ કમિટિ નજર રાખશે. બોર્ડની ઓવરસાઇટ કમિટીના ચેરમેન તરીકે બોર્ડના ચેરમેન જ કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત બોર્ડની આ કમિટીમાં ઓડિટ કમિટીના ચેરમેન, કોમ્પેનસેશન, નોમિનેશન તથા રિમ્યુનરેશન કમિટિના ચેરમેન અને રિસ્ક મેનેજમેન્ટ કમિટીના ચેરમેન સમાવિષ્ટ હશે. બેંકે જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થાને આરબીઆઇએ 29 એપ્રિલના રોજ મંજૂરી આપી છે. હવે બેંકના પૂર્વ એમડી અને સીઇઓએ રાજીનામું આપ્યું તે પછીના ત્રણ મહિનામાં નવા એમડી અને સીઇઓ કાર્યભાર સંભાળે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થાથી બેંકના કારોબાર પર નજર રાખવામાં આવશે.
