રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું સર્ટિફિટેક ઓફ રજિસ્ટ્રેશન (સીઓઆર) રદ કર્યું છે.
બેંક પાસે પૂરતી મૂડી ઉપલબ્ધ ન હોવાથી અને બેંકની કમાણી કરવા માટે સક્ષમ ન હોવાથી આ લાયસંસ રદ કરવામાં આવ્યું છે. આરબીઆઇએ આ બેંકને 16મી એપ્રિલ, 2025થી તેનો કારોબાર બંધ કરી દેવા માટે આદેશ આપ્યો છે.
આરબીઆઇએ પોતાના આદેશમાં વધુમાં જણાવ્યા મુજબ આ બેંક બેકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઇઓનું પાલન કરવામાં પણ નિષ્ફળ ગઇ છે. આ બેંક હવે તેનો કારોબાર ચાલુ રાખે તે બેંકના ડિપોઝીટર્સના હિતની વિરુદ્ધમાં છે કારણ કે બેંક તેના વર્તમાન ડિપોઝીટર્સને સંપૂર્ણપણે નાણાંની પરત ચુકવણી કરી શકે એવી સ્થિતિમાં પણ નથી. જો બેંકને હવે તેનો કારોબાર ચાલુ રાખવાની છુટ આપવામાં આવશે તો તે જાહેર હિત પર તેની વિપરીત અસર થશે. બેંકનું લાયસંસ રદ થતા હવે આ બેંક નવી થાપણો લઇ શકશે નહીં કે થાપણો પેટે પરત ચુકવણી પણ કરી શકશે નહીં. આરબીઆઇએ જણાવ્યું છે કે આ બેંકના થાપણદારો હવે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ ક્લેઇમ એમાઉન્ટ રૂ. 5 લાખની નિર્ધારિત મર્યાદામાં પરત મેળવવાને પાત્ર છે. ખુદ કલર મર્ચન્ટ્સ બેંકે સુપરત કરેલા ડેટા મુજબ બેંકના 98.51 ટકા થાપણદારોને થાપણ વીમા યોજના હેઠળ તેમની ડિપોઝીટની સંપૂર્ણ રકમ મળી શકે એમ છે. 31 માર્ચ, 2024ની સ્થિતિએ વીમા યોજના હેઠળ સંબંધિત થાપણદારો પાસેથી મળેલી સંમતિના આધારે રૂ. 13.94 કરોડની રકમ ચુકવી દેવામાં આવી છે.