વિવિધ બેંકો દ્રારા ઇન્શ્યોરન્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ દર્શાવીને જે મિસ સેલિંગ કરવામાં આવે છે તેનાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ચિંતિત છે.
આવી પ્રથાને દુર કરવા ચોક્કસ પગલાં લેવા મધ્યસ્થ બેંક વિચારણા કરી રહી છે એમ આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું. આ માટે બેંક દ્રારા ફેર પ્રેક્ટિલ કોડ, કન્ઝયુમર પ્રોટેક્શન અને કસ્ટમર સર્વિસીસ પર વધુ ભાર મુકવામાં આવશે. હાલમાં ચાલી રહેલા ટ્રેડ વોરના પગલે ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થશે એવા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર અત્યંત સ્થિતિસ્થાપક છે અને આથી તેના પર આ ટ્રેડ વોરની લાંબાં ગાળે કોઇ અસર નહીં થાય. હાલમાં રૂપિયામાં જે મોટી વધઘટ જોવા મળી રહી છે, તેને સીમિત રાખવા આરબીઆઇ પ્રતિબદ્ધ છે એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે જોકે રૂપિયો ડોલર સામે કોઇ ચોક્કસ સ્તરે જ રહે એવું લક્ષ્ય આરબીઆઇ ધરાવતી નથી, પરંતુ રૂપિયામાં એકદમ જ મોટો વધારો કે ઘટાડો ન જોવા મળે તે માટે આરબીઆઇ સતત દરમિયાનગીરી કરી રહી છે. હાલમાં થઇ રહેલા સાયબર ફ્રોડ અને બેંકોના વહીવટમાં જોવા મળી રહેલી ખામીઓ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને આવી ગેરરીતિ અટકાવવા પગલાં લેવામાં આવશે એમ જણાવ્યું હતુ.










