ગોલ્ડ લોન લેવા માંગતા નાગરિકો માટે સારા સમાચાર છે. આરબીઆઇએ ગોલ્ડ લોન માટેનો ગોલ્ડ ટુ વેલ્યુ રેશિયો 75 ટકાથી વધારીને 85 ટકા કર્યો છે.
જોકે આ નવી જોગવાઇ માત્ર રૂ. 2.5 લાખથી ઓછી લોનને લાગુ પડશે. આ ઉપરાંત આરબીઆઇના ગવર્નરે એવી પણ જાહેરાત કરી છે નાની રકમની ગોલ્ડ લોન માટે ક્રેડિટ એપ્રેઇઝલની જરૂરિયાત નથી. આ ઉપરાંત જે ગોલ્ડ લોન પ્રાયોરીટી સેકટર લેન્ડિંગ હેઠળ આપવામાં આવી હશે એવા કિસ્સામાં જ આવી લોનથી મેળવવામાં આવેલી રકમનો ઉપયોગ ક્યાં થાય છે તેની પર નજર રાખવામાં આવશે એમ પણ આરબીઆઇએ જણાવ્યું છે. આ સુધારાને કારણે ગોલ્ડ લોન માટેનું પેપર વર્ક ઓછું થશે, પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે અને લેન્ડર્સને નિયમોના પાલન માટે ઓછો ખર્ચ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ગોલ્ડ લોન માટેનો જે મુસદ્દો જાહેર કર્યો તે અંતર્ગત ગોલ્ડ લોન માટે આકરા નિયમો રાખવામાં આવ્યા હતા. જે પછી કેન્દ્ર સરકારના નાણાવિભાગે નાની રકમની ગોલ્ડ લોન લેતા નાગરિકોને આ કડક નિયમોમાંથી છુટ આપવાની વિનંતી કરી હતી, જેને પગલે નિયમમાં આ સુધારો કરવામાં આવ્યો હતો.
હવે બેંકની એફડી પરના વ્યાજદરમાં ઘટાડો થશે
આરબીઆઇએ શુક્રવારે રેપો રેટ 50 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.5 ટકા કરતાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ રેટમાં કુલ 1 ટકાનો ઘટાડો થયો છે. આના કારણે હવે બેંકોને સસ્તા વ્યાજદરે ધિરાણ મળી રહેશે અને પરિણામ સ્વરૂપે બેંકો એફડી પર આપતા વ્યાજદરમાં ઘટાડો કરે એવી શક્યતા છે. આથી કોઇ પણ પ્રકારનું જોખમ લીધા વગર આવક કરવા માંગતા અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે આ માઠા સમાચાર છે. ઉલ્લેખનીય છે કે 11 વાર રેપો રેટ યથાવત રાખ્યા પછી આરબીઆઇએ ફેબ્રુઆરીથી વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરી તે પછી એસબીઆઇ, એચડીએફસી બેંક અને બેંક ઓફ ઇન્ડિયા જેવી કેટલીક બેંકોએ તેમની એફડી પરના વ્યાજદરમાં 10થી 70 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. હવે આગામી સમયગાળામાં અન્ય બેંકો પણ આવી નીતિને અનુસરે અને એફડીના વ્યાજદરમાં વધુ પ્રમાણમાં ઘટાડો કરે એવી શક્યતા છે.