આર્થિક વૃદ્ધિના આંકડામાં તીવ્ર રીતે ઘટાડો અને અર્થતંત્રની ગાડી પૂરપાટ ઝડપે દોડે તે માટે ચોતરફથી વ્યાજદરમાં કાપ અંગેની માંગ છતાં મોનેટરી પોલિસી કમિટિ (એમપીસી) માટે રેટ કટ એક પડકાર બની રહેશે.


નિષ્મતોના મતે આ વખતે પણ આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરે એવી શક્યતા ઓછી છે અને જો આમ થશે તો ઇએમઆઇમાં ઘટાડાની રાહ જોતા લોનધારકો સતત અગિયારમી વાર નિરાશ થશે. ચોથી ડિસેમ્બરથી છ ડિસેમ્બર વચ્ચે મધ્યસ્થ બેંકની નાણાં સમિતિની બેઠક યોજાનારી છે ત્યારે ફરી એક વખત વ્યાજદરનો મુદ્દો ચર્ચિત બન્યો છે. નાણાંકીય વર્ષ 2024-25ના બીજા કવાર્ટર માટે જીડીપી વૃદ્ધિનો જે અંદાજ રજૂ કરાયો હતો તેના કરતાં પણ આંકડા નીચા રહ્યાં હતા.

આ સમયગાળામાં જીડીપી વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો હતો. જેથી રિઝર્બ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની એમપીસી પર વ્યાજ દર ઘટાડવા માટે દબાણ વધ્યું છે. કેમ કે, હળવી નીતિની અપેક્ષાએ ગત શુક્રવારે બોન્ડ ઉપજમાં ઘટાડો થયો હતો. રેટ સેટિંગ પેનલને સરકાર તરફથી પણ દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે સૂચન કર્યું છે કે, ફુગાવાની ગણતરીમાંથી ફૂડ પ્રાઈઝને બાકાત કરવામાં આવે. બીજી તરફ કેન્દ્રીય નાણાં મંત્રીએ પણ એ વાતની તરફેણ કરી છે કે, રોકાણ અને વૃદ્ધિ વધારવા વ્યાજ દરમાં ઘટાડો કરવો જરૂરી છે. અલબત્ત એ વાત નોંધવી પણ જરૂરી છે કે, નાણાં નીતિ ટામેટાં, ડુંગળી કે બટાકાના ભાવને અસર કરી શકતી નથી. પણ તે માંગ ઘટાડી શકે છે અને એકંદર કિંમતો નીચે લાવી શકે છે, જે ફુગાવાને હળવો કરવામાં મદદ કરી શકે છે.

આ મામલે આર્થિક જગતના નિષ્ણાતે જણાવ્યું હતું કે, કમજોર વૃદ્ધિ છતાં આરબીઆઈ દ્વારા આ સપ્તાહે વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરાય તેવી શકયતા છે. મૂલ્ય સ્થિરતાને પ્રાથમિકતા આપવામાં આવશે. અમે ઊંચા વ્યાજદરની સંભાવના વ્યક્ત કરી રહ્યાં છીએ. અમે એ વાત પર પ્રકાશ પાડયો છે કે, ત્રીજા ત્રિમાસિકમાં જીડીપીના આંકડા અપેક્ષા કરતાં કમજોર રહેવાને કારણે એમપીસી નાણાં નીતિમાં રાહત આપી શકે છે, પણ તેનો સમય વૃદ્ધિ તથા ફુગાવાના દ્રષ્ટિકોણ પણ નિર્ભર છે.

ઓક્ટોબરમાં એમપીસીની બેઠકમાં નવા સામેલ કરાયેલા ત્રણ બાહ્ય સભ્યોમાંથી નાગેશ કુમાર એકમાત્ર એવા મેમ્બર હતા જેમણે વ્યાજદરમાં તાત્કાલિક 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવા અંગેની હાકલ કરી હતી. અગાઉ ઓગસ્ટમાં વિદાય લઈ રહેલાં સભ્યો જયંત વર્મા અને આશિમા ગોયલે રેટ કટ કરવા માટે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. વર્માએ કડક રીતે વ્યાજદરમાં ઘટાડો કરવાની તરફેણ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, દરો યથાવત્ રાખવાની સ્થિતિ ભારતની વૃદ્ધિની સંભાવનાને નબળી પાડે છે.

MPC પર શા માટે રેટ કટનું દબાણ?

 બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ અંદાજ કરતાં ઓછી 5.4 ટકાના સ્તરે રહી હતી, ફુગાવામાંથી ફૂડ પ્રાઈઝને બાકાત કરવા કોમર્સ મંત્રી પિયુષ ગોયલનું સૂચન, રોકાણ અને વૃદ્ધિ દર વધારવા વ્યાજ દર હળવા કરવાં કેન્દ્રીય નાણાં મંત્રીની તરફેણ


  • Follow us on: