વર્ષ 2024માં પોતાના રિઝર્વ માટે આક્રમક રીતે 72.6 ટના સોનાની ખરીદી કરવામાં આવી તેને પગલે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હાલમાં કુલ 97 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતું 879 ટન ગોલ્ડ ધરાવે છે.


વિશ્વની તમામ મધ્યસ્થ બેંકો સોનાની ખરીદી વધારી રહી છે તેને આરબીઆઇ પણ અનુસરી છે અને વર્ષ 2024માં સોનાની ખરીદી કરવામાં સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકોમાં બીજા ક્રમે રહ્યા પછી વર્ષ 2025ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ કુલ બે મહિનામાં જ આરબીઆઇએ કુલ 8.8 ટન સોનાની ખરીદી કરી છે. આરબીઆઇ દ્રારા વર્ષ 2017થી સોનાની જંગી ખરીદી કરવામાં આવી રહી છે. એ પહેલા થોડા વર્ષો માટે આરબીઆઇએ સોનાની ખરીદીમાં નરમ વલણ અપનાવ્યું હતું.

બુધવારે જ વૈશ્વિક બજારમાં સોનાના ભાવે સૌપ્રથમ વાર પ્રતિ ઔંસ 3,300 ડોલરની સપાટી વટાવી હતી. સોનાના ભાવમાં પાછલા વર્ષથી જોવા મળેલી અભૂતપૂર્વ વધારા માટે વિશ્વની મધ્યસ્થ બેંકો સોનાની જંગી ખરીદી કરી રહી છે તે બાબત પણ જવાબદાર છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2022,2023 અને 2024માં વિશ્વની મધ્યસ્થ બેંકો દ્રારા કરવામાં આવેલી સોનાની કુલ ખરીદીનો જથ્થો 1,000 ટનથી વધારે છે અને આ વર્ષોમાં મધ્યસ્થ બેંકોએ અનુક્રમે 1,082 ટન, 1,037 ટન અને 1,045 ટનની ખરીદી કરી હતી. 2025ના પ્રથમ બે મહિનામાં આ બેંકોએ 44 ટન જેટલા સોનાની ખરીદી કરી છે. સોનાના ભાવમાં પણ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રમાણમાં તેજીની ચાલ જોવા મળી છે. હાલમાં આ ભાવે 3,300 ડોલરને પાર કરી વિક્રમી ટોચ બનાવી છે ત્યારે છેલ્લા એક વર્ષના સમયગાળામાં સોનાના વૈશ્વિક ભાવોમાં 40 ટકાનો જ્યારે 2025માં અત્યાર સુધીમાં આ ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024માં આ ભાવ 28 ટકા વધ્યા હતા, જ્યારે 2023માં ભાવમાં 15 ટકાની તેજી જોવા મળી હતી. સોનાના વૈશ્વિક ભાવ એપ્રિલ, 2024થી એપ્રિલ, 2025ના એક વર્ષના સમયગાળામાં પ્રતિ ઔંસ દીઠ 1,000 ડોલર જેટલા વધ્યા છે. આટલી તીવ્ર તેજી એ છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળેલો સૌથી મોટો ઉછાળો છે. પહેલાના વર્ષોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી પરંતુ તેજીની ગતિ આટલી તીવ્ર ન હતી. હાલમાં સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે તેના માટે મુખ્યત્ત્વે યુએસએ શરૂ કરેલું ટ્રેડ વોર ચીનના વળતા પ્રહારને પગલે ચરમસીમાએ પહોંચ્યું છે તે બાબત જવાબદાર છે. આ ઉપરાંત જિયો પોલિટિકલ ટેન્શનમાં વધારો, ડોલર નરમ થઇને છેલ્લા ત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો એ બાબત જવાબદાર છે. આના કારણે મધ્યસ્થ બેંકો ઉપરાંત રોકાણકારો પણ સોનાની માંગ વધી છે, કારણ કે સોનામાં કરવામાં આવતું રોકાણ કોઇ પણ અનિશ્ચીતતાના જોખમ સામે હેજિંગ ગણાય છે અને તેથી તેને સલામત રોકાણ પણ માનવામાં આવે છે.

મધ્યસ્થ બેંકો કેમ જંગી પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે

રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં યુદ્ધ થયું તેને પગલે યુએસ દ્રારા પ્રતિબંધો લાદીને રશિયાની મધ્યસ્થ બેંકની ડોલર સ્વરૂપે રહેલી એસેટ્સને ફ્રિઝ કરવામાં આવી હતી. આથી હવે મધ્યસ્થ બેંકો સોનાની ખરીદીનું પ્રમાણ વધારેની ડોલર સ્વરૂપે રાખવામાં આવેલા રિઝર્વના સ્થાને ગોલ્ડ રિઝર્વને વધુ પસંદ કરે છે અને તેથી સોનાની ખરીદી આક્રમક રીતે કરવામાં આવી રહી છે. આથી જ 2022થી મધ્યસ્થ બેંકોની સોનાની ખરીદીમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે.


  • Follow us on: