બેંકિંગ અને નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) ક્ષેત્રે અસલામત લોનના પ્રમાણમાં વધારો થતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ચિંતા વ્યક્ત કરી છે. સેન્ટ્રલ બેંકે આ સેગમેન્ટ માટેના નિયમો કડક બનાવ્યા પછી અસુરક્ષિત ધિરાણના પ્રમાણમાં થોડો ઘટાડો થયો છે.


છતાં આરબીઆઈએ આ મામલે સાવચેતીનો સૂર જાળવી રાખ્યો છે. જે એ વાતનો સંકેત આપે છે કે, અર્બન કો-ઓપરેટિવ બેંક (યુસીબી) લોન આપવા મામલે મર્યાદાઓ ધરાવે છે. પણ કોમર્શિયલ બેંક અને એનબીએફસીને પોતાની લોન મર્યાદા નક્કી કરવા માટે આવી મર્યાદાઓનો સામનો કરવો પડતો નથી. અલબત્ત કેટલીક નાણાં સંસ્થાઓ દ્વારા લોન મામલે ચિંતાજનક મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. જેની માટે સતત દેખરેખની જરૂર છે. આરબીઆઈ અપેક્ષા રાખે છે કે, આ નિયમનકારી સંસ્થાઓના બોર્ડ લોન વિતરણ મામલે વિવેકબુદ્ધિ દાખવે અને તેમના પોતાના નાણાંકીય આરોગ્યને સલામત રાખવા અને પ્રણાલીગત નાણાંકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે અતિશય ઉત્સાહથી દૂર રહે.

આરબીઆઈએ ધિરાણમાં જોખમો વધારતી કેટલીક પદ્ધતિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. દાખલા તરીકે, ગોલ્ડ લોન પરની ટોપ-અપ લોન્સ, જેને ઘણીવાર કોલેટરલ-બેક્ડ તરીકે ગણવામાં આવે છે. જે અસુરક્ષિત લોન જેવા જ જોખમો રજૂ કરી શકે છે. ખાસ કરીને કોલેટરલના મૂલ્યમાં અસ્થિરતા અથવા ચક્રીય મંદીના સમયગાળા દરમિયાન. મધ્યસ્થ બેંકે નોંધ્યું હતું કે, આવા કિસ્સાઓમાં અપૂરતી યોગ્ય ખંત અને હળવા વીમાકરણ ધોરણો નાણાંકીય વ્યવસ્થામાં નબળાઈઓ તરફ દોરી શકે છે. આક્રમક ધિરાણ પ્રથાને કારણે ભારતમાં રિટેલ લોન ડિફોલ્ટ્સમાં વધારો થયો છે. શેરબજારમાં તેજીની અસર ઊભી થઈ છે. અને વ્યાપક આર્થિક અસરની આશંકા ઊભી થઈ છે. કોટક મહિન્દ્રા બેંક અને ઈન્ડસઈન્ડ બેંક જેવા અગ્રણી નામો સહિત કેટલાક ધિરાણકર્તાઓએ તેમના અસુરક્ષિત લોન પોર્ટફોલિયોમાં ઊંચા તણાવની જાણ કરી છે.

જેના કારણે શેરના ભાવમાં ઘટાડો થયો છે. નાના ધિરાણકર્તાઓ, જેમ કે ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક જે મુખ્યત્વે નાની-ટિકિટ લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમને ખાસ કરીને સખ્ત ફટકો પડયો છે. 2024માં તેમના સ્ટોકમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નવેમ્બર 2024માં રજૂ કરાયેલ જોખમી ધિરાણ પ્રથાઓ પર આરબીઆઈના નિયંત્રણને પગલે વ્યક્તિગત લોન વૃદ્ધિમાં મંદી સ્પષ્ટ થઈ છે. નવી માર્ગદર્શિકાએ અસુરક્ષિત લોન માટે ઉચ્ચ જોખમનું વેઈટ ફરજિયાત બનાવ્યું છે. બેંકો અને એનબીએફસીને વધુ કડક એક્સપોઝર મર્યાદા નક્કી કરવા જરૂરી છે. પરિણામે આ નિયમોની અસર હવે કંપનીની કમાણીમાં પડી રહી છે. અને ભારતના અર્થતંત્ર માટે સંભવિત પડકારોનો સંકેત આપી રહી છે. જે હજુ પણ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. વધુમાં અસુરક્ષિત રિટેલ લોન સેગમેન્ટમાં ઉધાર લેનારાઓ પર નાણાંકીય તાણ વધી રહી છે, જેમાં માઈક્રોફાઈનાન્સ અને પર્સનલ લોનનો સમાવેશ થાય છે, એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા ખરાબ દેવાના સંપાદનમાં નોંધપાત્ર વધારા તરફ દોરી જાય છે. એસોસિયેશન ઓફ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝના જણાવ્યા અનુસાર, એઆરસી દ્વારા હસ્તગત કરવામાં આવેલી કુલ અસ્કયામતોની બુક વેલ્યૂ નાણાંકીય વર્ષ 2023-24માં 15 ટકા વધીને રૂ.9.7 લાખ કરોડ સુધી પહોંચી છે. જેમાં પાછલા વર્ષ કરતાં રૂ.1.2 લાખ કરોડનો વધારો થયો છે. જે અસુરક્ષિત લોન સેગમેન્ટમાં વધતાં તણાવને સૂચવે છે. કેમ કે, અનુસૂચિત વાણિજિયક બેંકો દ્વારા વિસ્તૃત કુલ ધિરાણમાં અસુરક્ષિત લોનનો હિસ્સો 2015થી માર્ચ 2023 સુધીમાં 25.5 ટકા સુધી સતત વધ્યો હતો. જે એક વર્ષ પછી થોડો ઓછો થઈને 25.3 ટકા થયો હતો. આ પડકારોનો સામનો કરવા માટે આરબીઆઈએ ભંડોળના અંતિમ ઉપયોગ પર દેખરેખ રાખવા, યોગ્ય લોન ટુ વેલ્યૂ રેશિયો સુનિશ્ચિત કરવા અને અસુરક્ષિત લોન માટે ઉચ્ચ જોખમ વેઈટ લાગુ કરવા સહિત વિવેકપૂર્ણ માર્ગદર્શિકાઓનું કડક પાલન કરવા માટે આહવાન કર્યું છે. જ્યારે ડિજિટલ ધિરાણ ઈકોસિસ્ટમ સતત વધતી જાય છે. ત્યારે નિયમનકારની ચિંતાઓ સંતુલિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂકે છે. જે નાણાંકીય સ્થિરતાની સુરક્ષા સાથે નવીનતાને પ્રોત્સાહન આપે છે. ભવિષ્યમાં અસલામત લોનના જોખમોમાં ઘટાડો કરવા માટે અને ભારતના ક્રેડિટ માર્કેટમાં ટકાઉ વૃદ્ધિને ટેકો આપવા માટે સતત નિયમનકારી તદેકારી સાથે બેંકો, એનબીએફસી અને ફિનટેક પ્લેયર્સ દ્વારા વિવેકપૂર્ણ વ્યવહારો નિર્ણાયક બનશે


  • Follow us on: