દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 19,407 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે.

જે 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ નોંધાવેલા રૂ. 18,951 કરોડના નફા કરતાં આશરે 2.4 ટકા વધારે છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 2.64 લાખ કરોડ થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 2.40 લાખ કરોડ હતી. કંપનીના બોર્ડે 2024-25ના વર્ષ માટે પ્રતિ શેર રૂ. 5.50નું ડિવિડન્ડ મંજૂર કર્યું છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીના ઓઇલ અને ગેસના કારોબારમાંથી કમાણી થોડી ઘટી હતી, પરંતુ ડિજિટલ અને રિટેલ કારોબારમાંથી થયેલી કમાણીના કારણે આ ઘટાડો સરભર થઇ ગયો છે.

ડિવિડન્ડ ઉપરાંત કંપનીના બોર્ડે બોન્ડ દ્રારા એક કે તેથી વધુ તબક્કામાં કુલ રૂ. 25,000 કરોડનું ભંડોળ એકત્ર કરવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી છે.

ડિસેમ્બર ક્વાર્ટરની તુલનાએ કંપનીના નફામાં 5 ટકાન વધારો નોંધાયો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 18,540 કરોડનો નફો નોંધાવ્યો હતો. આવી જ રીતે ત્રીજા ત્રિમાસિક ગાળાની તુલનાએ કંપનીની આવકમાં પણ 8 ટકાનો વધારો થયો છે. ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીની ઇબીઆઇટીડીએ પણ વાર્ષિક ધોરણે 4 ટકા વધીને રૂ. 48,737 કરોડ થઇ છે.

સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીએ કુલ રૂ. 36,041 કરોડનો મૂડી ખર્ચ કર્યો છે, જે સંપૂર્ણપણે કેશ જનરેશનમાંથી કરવામાં આવ્યો છે. કંપનીએ રૂ. 40,000 કરોડનું કેશ જનરેશન કર્યું હતું, જેને પરિણામે કંપનીનું દેવું રૂ. 1.17 લાખ કરોડના સ્તરે સ્થિર રહ્યું હતું.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે 2024-25નું નાણાકીય વર્ષ કંપની માટે પડકારજનક રહ્યું હતું, કારણ કે માઇક્રો અને મેક્રો આર્થિક પરિબળો નબળાં હતા અને સાથે સાથે જિયોપોલિટિકલ પરિસ્થિતિમાં ફેરફાર થતો જોવા મળ્યો હતો. આવા સંજોગોમાં કંપનીએ સંચાલનમાં શિસ્તતા અપનાવીને, કસ્ટમરને ધ્યાનમાં રાખીને ઇનોવેશન પર ભાર મુકવાની અને ભારતના વૃદ્ધિદરને એવી બાબતો પર ધ્યાન આપવાની રણનીતિ અપનાવીને સ્થાયિ આર્થિક પરિણામો આપ્યા છે.