ભારતના રિટેલ ફુગાવાનો દર માર્ચ મહિનામાં વધુ ઘટીને 3.34 ટકાની સપાટીએ પહોંચ્યો હતો, જે ઓગસ્ટ, 2019 પછીની એટલે કે છેલ્લા 67 મહિનાની સૌથી નીચી સપાટી છે. અગાઉ ફેબ્રુઆરીમાં આ દર 3.61 ટકાની સાત મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો.
ફુગાવાના દરમાં જોવા મળેલા આવા તીવ્ર ઘટાડા માટે ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો નોંધાયો તે બાબત મુખ્યત્ત્વે જવાબદાર છે. ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 3.75 ટકા હતો તે માર્ચમાં ઘટીને 2,69 ટકા થયો છે, જે તેની નવેમ્બર, 2021 પછીની એટલે કે છેલ્લા 40 મહિનાની સૌથી નીચી સપાટી છે. ખાદ્ય પદાર્થોના ફુગાવાના દરમાં થયેલા ઘટાડા માટે શાકભાજી, ઇંડા, દાળ-કઠોળ, મિટ અને ફિશ, અનાજ તથા દુધના ઉત્પાદનોના ભાવમાં થયેલો ઘટાડો જવાબદાર છે. ફેબ્રુઆરીમાં ગ્રામીણ વિસ્તારમાં ફુગાવાનો દર 3.79 ટકા હતો જે માર્ચમાં ઘટીને 3.25 ટકા થયો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 3.32 ટકા હતો તે માર્ચમાં વધીને 3.43 ટકા થયો છે. જોકે શહેરી વિસ્તારમાં ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર 3.15 ટકાથી ઘટીને 2.48 ટકા થયો છે.
