કેન્દ્ર સરકાર ભારતમાં કાર્યરત કંપનીઓમાં વિદેશી માલિકીને લગતાં ધારાધોરણોને આકરા બનાવવા વિચારણા કરી રહી છે.


એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી. આ નિયમો આકરા બનતા ઇ-કોમર્સથી લઇને ફાર્મા ક્ષેત્રની વિવિધ કંપનીઓના કારોબાર પર નોંધપાત્ર પ્રમાણમાં વિપરીત અસર થશે.

આ નિયમોમાં ફેરફારને પગલે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વિદેશી માલિકી ધરાવતી ભારતમાં કાર્યરત કંપનીઓની વ્યાખ્યામાં ફેરફાર થશે જેના કારણે શેરની ટ્રાન્સફર કે ઇક્વિટીની પુનરચના વખતે આ કંપનીઓને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના (એફડીઆઇ) નિયમો લાગુ પડશે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટને લગતાં કાયદાઓમાં કેટલીક છટકબારીઓ છે તેને પુરવા માટે આ કવાયત હાથ ધરાઇ છે. આ નિયમો અંતર્ગત ફોરેન ઓન્ડ એન્ડ કંટ્રોલ્ડ એન્ટિટીઝ (એફઓસીઇ) નામની એક નવી કેટેગરી ઊભી કરવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવી કેટેગરીમાં અપ્રત્યક્ષ વિદેશી રોકાણ ધરાવતી ભારતીય કંપનીઓને પણ સમાવિષ્ટ કરવામાં આવશે. જે કંપનીમાં સીધા રોકાણને મંજૂરી આપી શકાય નહીં એવા રોકાણને પરોક્ષ રીતે પણ છુટ આપી શકાય નહીં અને આ બાબત નવા નિયમોમાં જોવા મળશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2020થી ભારત સાથે સરહદ ધરાવતા હોય એવા ચીન સહિતના દેશોના નાગરિક ભારતમાં રોકાણ કરવા માંગતા હોય તો તેને માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી જરૂરી છે અને હવે નવા નિયમો અમલી બનશે તે પછી આવા દેશોના નાગરિકો માટે ઓફશોર ફંડ કે ભારતીય કંપનીઓની શૃંખલા દ્રારા ભારતીય કંપનીઓમાં પરોક્ષ રીતે રોકાણ કરવું એટલે કે ભારતમાં બેકડોર એન્ટ્રી લેવી અશક્ય બનશે.


  • Follow us on: