આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 18 પૈસા ઘટીને 85.45ની સપાટીએ બંધ રહ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવ અને ભારતીય શેરબજારમાં મંદીના માહોલને પગલે આજે પ્રારંભિક સુધારા પછી રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હતું અને દિવસને અંતે તે નરમાશ સાથે બંધ રહ્યો હતો. આ સાથે સાપ્તાહિક ધોરણે રૂપિયામાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો ગુરુવારની 85.27ની બંધ સપાટીની તુલનાએ 10 પૈસા વધીને 85.17 પર ખુલ્યો હતો. તે પછી ઇન્ટ્રા ડેમાં રૂપિયાએ 85.08ની હાઇ અને 85.65ની લો સપાટી બનાવી હતી અને દિવસને અંતે 18 પૈસા ઘટીને 85.45ની સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોના મતે આજે પણ રૂપિયો 85.08ની સપાટીએ ગયો હતો પરંતુ સપ્તાહમાં અગાઉ જોવા મળ્યું છે એમ 85ની સપાટી નજીક આવે એમ રૂપિયો પ્રતિકારનો સામનો કરે છે અને આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવને પગલે રૂપિયા આ સપાટીને પાર કરીને ઉપર જઇ શક્યો ન હતો.

દરમિયાન વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.24 ટકા વધીને 99.61ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. વૈશ્વિક ક્રુડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર્સ પણ 0.66 ટકા વધીને પ્રતિ બેરલ 66.11 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું.

ફોરેક્સ રિઝર્વ 8.31 અબજ ડોલર વધીને 686.15 અબજ ડોલર । 18 એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 8.31 અબજ ડોલર વધીને 686.15 અબજ ડોલર થયું છે. અગાઉના સપ્તાહમાં પણ આ રિઝર્વ 1.5 અબજ ડોલર વધીને 677.84 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ફોરેન કરન્સિ એસેટ્સ 3.5 અબજ ડોલર વધીને 578.5 અબજ ડોલર થઇ છે, જ્યારે ગોલ્ડ રિઝર્વ 4.57 અબજ ડોલર વધીને 84.57 અબજ ડોલર થયું છે.