યુએસ ડોલર સામે આજે ભારતીય રૂપિયાનો કોઇ પણ એક સેશનમાં દેખાવ ફેબ્રુઆરી, 2023 પછીનો સૌથી ખરાબ દેખાવ રહ્યો હતો અને દિવસને અંતે રૂપિયો 60 પૈસા તૂટીને 85.84ની સપાટીએ બંધ રહ્યો હતો.
અગાઉ 6 ફેબ્રુઆરી, 2023ના રોજ રૂપિયો એક જ દિવસમાં આનાથી વધારે ઘટયો હતો અને 13 જાન્યુઆરી, 2025ના રોજ પણ રૂપિયામાં 60 પૈસાનો ઘટાડો નોંધાયો હતો.
શુક્રવારે રૂપિયો 85.24ની સપાટીએ બંધ રહ્યો હતો, જે પછી આજે સવારે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 41 પૈસા ઘટીને યુએસ ડોલર સામે 85.65ની સપાટીએ ખુલ્યો હતો. જે છેલ્લા બે મહિનામાં સૌથી ખરાબ ઓપનિંગ છે. અગાઉ 10 ફેબ્રુઆરી, 2025ના રોજ રૂપિયો આનાથી વધારે ઘટાડા સાથે ખુલ્યો હતો.
દરમિયાન આજે છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.14 ટકા ઘટીને 102.88 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ડોલર ઇન્ડેક્સ નબળો પડયો તે ઉપરાંત ક્રુડના ભાવમાં પણ પીછેહટ ચાલુ રહી તેમ છતાં આજે રૂપિયામાં ધોવાણ જોવા મળ્યું હતું. સાઉદી અરેબિયાએ તેના ક્રુડના ભાવમાં છેલ્લા બે વર્ષનો સૌથી મોટો ઘટાડો કરતાં ક્રુડમાં આજે ઘટાડાની ચાલ આગળ વધી હતી. બ્રેન્ટ ક્રુડ આજે 3.16 ટકા ઘટીને પ્રતિ બેરલ 63.51 ડોલરના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું હતું, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રુડ પણ 3.44 ટકા ઘટીને પ્રતિ બેરલ 59.86 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં રૂપિયો 2.3 ટકા વધ્યો હતો, જે પછી એપ્રિલના પ્રથમ પાંચ સેશનમાં જ રૂપિયામાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે.