આજે સતત બીજા દિવસે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને ભારતીય ચલણ 42 પૈસા ઘટીને 86.26ની સપાટીએ બંધ રહ્યું હતું.

આ સાથે બે જ દિવસમાં ભારતીય રૂપિયામાં કુલ 103 પૈસાનો ઘટાડો નોંધાયો છે અને તે ફરી એક વાર 86ના સ્તરની નીચે ગયો છે. 20 માર્ચ પછી પ્રથમ વાર રૂપિયો 86ની નીચે ટ્રેડ થયો હતો. આજે રૂપિયામાં જોવા મળેલા ધોવાણ માટે ડોલરમાં જોવા મળેલી મજબૂતાઇ, ભારતીય શેરબજારમાં વિદેશી ફંડોની વેચવાલી અને ટેરિફ વોરને પગલે ઊભી થયેલી વૈશ્વિક અનિશ્ચીતતાઓ જવાબદાર છે એમ નિષ્ણાતો જણાવે છે. આવતી કાલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવનાર છે તે પહેલા જ રૂપિયામાં આટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

સોમવારે રૂપિયો ડોલર સામે 61 પૈસા ઘટીને 85.84ની સપાટીએ બંધ રહ્યો હતો. જે પછી આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 85.91ની સપાટીએ ખુલ્યો હતો, જે પછી 85.82ની હાઇ અને 86.29ની લો સપાટી બનાવ્યા પછી દિવસને અંતે રૂપિયો 42 પૈસા ઘટીને 86.26ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયામાં આજે થયેલા ઘટાડા માટે ચીનનું ચલણ યુઆન નબળું પડયું એ બાબત પણ જવાબદાર છે. ધ પિપલ્સ બેંક ઓફ ચાઇનાએ યુઆન માટે 7.2038નો રેફરન્સ રેટ જાહેર કર્યો હતો, જે સપ્ટેમ્બર, 2023 પછીનો સૌથી ઓછો રેટ છે, એમ નિષ્ણાતો જણાવે છે. દરમિયાન આજે છ અગ્રણી વૈશ્વિક કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 103થી થોડો ઉપર ફ્લેટ મથાળે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગઇ કાલે ચાર વર્ષના તળિયે પહોંચ્યા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.20 ટકા વધીને પ્રતિ બેરલ 64.34 ડોલર થયા હતા, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રૂડ 0.21 ટકા વધીને 60.83 ડોલર થયું હતું.