ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવને પગલે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ગુરુવારે 84 પૈસા એટલે કે 1.05 ટકા તૂટીને 85.61ની સપાટીએ બંધ રહ્યો હતો.

રૂપિયામાં આજે જોવા મળેલો આ કડાકો છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. અગાઉ 7 માર્ચ, 2023ના રોજ રૂપિયામાં એક જ દિવસમાં 105 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો, જે પછી આજનો ઘટાડો સૌથી મોટો છે. જિયોપોલિટિકલ ટેન્શનમાં વધારા ઉપરાંત ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઇ અને ક્રૂડના ભાવમાં વધારાની ચાલ આગળ વધતાં તેના કારણે પણ રૂપિયાનું ધોવાણ થયું હતું. ગુરુવારે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 84.61ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં રૂપિયાએ 84.52ની હાઇ અને 85.77ની લો સપાટી બનાવી હતી. તે પછી દિવસને અંતે રૂપિયો પાછલા બંધ 84.77ની સપાટીએથી 84 પૈસા તૂટીને 85.61ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે 42 પૈસા ઘટીને 84.77ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ બે જ દિવસમાં રૂપિયામાં કુલ 126 પૈસાનો ઘટાડો નોંધાયો છે.

ટ્રેડર્સના જણાવ્યા મુજબ રૂપિયો 85.49ના સ્તરે પહોંચ્યો તે પછી આરબીઆઇએ ડોલરનું વેચાણ કરીને નોંધપાત્ર પ્રમાણમાં દરમિયાનગીરી કરી હતી. જો આમ ન કરવામાં આવ્યું હોત તો રૂપિયામાં હજી પણ મોટો કડાકો આવત એ શક્ય હતું. ફોરેક્સ ટ્રે્ર્ડર્સના જણાવ્યા મુજબ પાકિસ્તાને આજે ઉત્તર અને પિૃમ ભારતના સંખ્યાબંધ લશ્કરી મથકો પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભારતે પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ ન્યુટ્રલાઇઝ કરી આ હુમલાને નિષ્ફળ બનાવવવા સમાચાર વહેતા થયા તે પછી રોકાણકારોમાં સ્થાનિક બજારમાં રોકાણ કરીને જોખમ ન લેવું જોઇએ એવી લાગણી ઊભી થઇ હતી. જેને પગલે ઇક્વિટી બજારમાં ઘટાડાની સાથે રૂપિયામાં પણ ધોવાણ થયું હતું. દરમિયાન વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.46 ટકા વધીને 100.07 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આમ ડોલરમાં સતત બીજા દિવસે વધારો જોવા મળ્યો હતો અને ફરી ડોલર ઇન્ડેક્સ 100ની ઉપર પહોંચી ગયો છે. બ્રેન્ટ ક્રૂડમાં પણ આવી જ રીતે સતત બીજા દિવસે વધારાતરફી ચાલ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ 1.05 ટકા વધીને પ્રતિ બેરલ 61.76ની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.