યુએસ ડોલર સામે આજે ભારતીય રૂપિયો 79 પૈસા વધીને 85.22ની સપાટી બંધ રહ્યો હતો. રૂપિયામાં આજે જોવા મળેલો આ નોંધપાત્ર વધારો છેલ્લા અઢી વર્ષનો સૌથી મોટો ઉછાળો છે.


આ અગાઉ 11 નવેમ્બર, 2022ના રોજ રૂપિયામાં 99 પૈસાનો વધારો નોંધાયો હતો. વિદેશી રોકાણના પ્રવાહ, ડોલરમાં નરમાશ અને ક્રુડના ભાવમાં ઘટાડાને પગલે રૂપિયો આટલો મજબૂત બન્યો હતો.

આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો ગુરુવારના 86.01ના બંધની તુલનાએ 6 પૈસા વધીને 85.95ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 85.11ની હાઇ અને 86.10ની લો સપાટી નોંધાવી હતી અને ભારે વોલેટાલિટી ધરાવતા સેશનના અંતે 79 પૈસા એટલે કે 1.03 ટકા વધીને 85.22ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે રૂપિયો મે મહિનામાં 0.85 ટકા ઘટયો છે. અગાઉ ગઇ કાલે જ રૂપિયો તૂટીને 86ની સપાટીથી નીચે ગયો હતો.

દરમિયાન આજે ડોલર ઇન્ડેક્સ 0.6 ટકા ઘટીને 99.36ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રુડ 0.22 ટકા ઘટીને પ્રતિ બેરલ 64.31 ડોલરની સપાટીએ અને ડબ્લ્યુટીઆઇ ક્રુડ 0.21 ટકા ઘટીને પ્રતિ બેરલ 61.07 ડોલર પર પહોંચ્યું હતું.

ફોરેક્સ રિઝર્વ 4.88 અબજ ડોલર ઘટી 685.72 અબજ ડોલર

16મી મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 4.88 અબજ ડોલર ઘટીને 685.72 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું છે. આ સપ્તાહમાં એફસીએ 279 મિલિયન ડોલર વધીને 581.65 અબજ ડોલર થઇ છે, જ્યારે ગોલ્ડ રિઝર્વ 5.12 અબજ ડોલર ઘટીને 81.21 અબજ ડોલર થયું છે.


  • Follow us on: