પાકિસ્તાન વચ્ચે વધતાં તણાવ વચ્ચે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો આજે 34 પૈસા વધીને 85.38ની સપાટીએ બંધ રહ્યો હતો.
સેશનના પ્રારંભે થયેલા ધોવાણ પછી આરબીઆઇએ દરમિયાનગીરી કરતાં આ નુકસાન સરભર થયું હતું અને સેશનને અંતે રૂપિયો મજબુત થયો હતો. આ સાથે વીતેલા સપ્તાહમાં રૂપિયો 85 પૈસા એટલે કે 0.9 ટકા ઘટીને બંધ રહ્યો છે, જે તાજેતરના સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે જોવા મળેલો સૌથી મોટો ઘટાડો છે. આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો પાછલા બંધ 85.72ની તુલનાએ 16 પૈસા તૂટીને 85.88ની સપાટીએ ખુલ્યો હતો, જે તેની દિવસની સૌથી નીચી સપાટી રહી હતી. તે પછી રૂપિયાએ ઇન્ટ્રા ડેમાં 85.32ની હાઇ સપાટી બનાવી હતી અને અંતે 34 પૈસા વધીને 85.38ની સપાટીએ બંધ રહ્યો હતો. ગુરુવારે રૂપિયાએ માર્ચ, 2023 પછીનો સૌથી મોટો એકદિવસીય ઘટાડો નોંધાવ્યો હતો અને 81 પૈસા ઘટીને 85.72ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયાએ આજે નોંધાવેલી 85.88ની ઇન્ટ્રા ડે લો સપાટી છેલ્લા એક મહિનાની સૌથી નીચી સપાટી છે. અગાઉ ગઇ કાલે અને બુધવારે એમ કુલ બે દિવસમાં રૂપિયો કુલ 126 પૈસા ઘટયો હતો. દરમિયાન વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 0.19 ટકા ઘટીને 100.44 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જ્યારે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રુડ 1.77 ટકા વધીને પ્રતિ બેરલ 63.95 ડોલર પર પહોંચ્યું હતું, જ્યારે યુએસ બેન્ચમાર્ક ડબ્લ્યુટીઆઇ ક્રુડ 1.89 ટકા વધીને પ્રતિ બેરલ 61.04 ડોલર પર પહોંચ્યું હતું.










