એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં એપ્રિલના છેલ્લા 11 સેશનમાં સતત લેવાલી કરતાં ભારતીય રૂપિયામાં આજે નોંધપાત્ર મજબૂતાઇ જોવા મળી હતી અને દિવસને અંતે યુએસ ડોલર સામે રૂપિયો 38 પૈસા વદીને 84.58ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયાની આજની બંધ સપાટી અને 84.47ની ઇન્ટ્રા ડે હાઇ એ બન્ને 2025ની સૌથી ઊંચી બંધ સપાટી અને સૌથી ઊંચી ઇન્ટ્રા ડે હાઇ સપાટી પણ છે. આ સાથે એપ્રિલમાં રૂપિયો માસિક ધોરણે 89 પૈસા એટલે કે 1.04 ટકા વધ્યો છે. આ અગાઉ માર્ચ મહિનામાં પણ રૂપિયામાં 2 ટકાનો વધારો નોંધાયો હતો. આમ રૂપિયામાં પણ સતત બીજા મહિને વધારાની ચાલ જોવા મળી છે. અન્ય એશિયન કરન્સિમાં મજબૂતાઇને પગલે રૂપિયો પણ મજબૂત બન્યો હતો, જોકે એશિયન કરન્સિમાં 0.8 ટકા સુધીના વધારાની સામે રૂપિયામાં 0.5 ટકાનો વધારો જ નોંધાયો હતો. ઉલ્લેકનીય છે કે 2024ના ડિસેમ્બરને અંતે રૂપિયો 85.65ની સપાટીએ બંધ રહ્યો હતો, જેની તુલનાએ એપ્રિલના અંતે રૂપિયો 107 પૈસા એટલે કે 1.24 ટકા વધ્યો છે.

મંગળવારે 27 પૈસાના વધારા સાથે 84.96ની સપાટીએ બંધ રહ્યા પછી આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 19 પૈસા ઘટીને 85.15ની સપાટીએ ખુલ્યો હતો, જે તેની ઇન્ટ્રા ડે લો સપાટી હતી. તે પછી દિવસ દરમિયાન 84.47ની હાઇ બનાવી હતી અને અંતે 38 પૈસા વધીને 84.58ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની મજબૂતાઇ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 0.2 ટકા વધીને 99.39 પર ટ્રેડ થતાં જોવા મળ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રુડ 0.73 ટકા ઘટીને પ્રતિ બેરલ 62.82 ડોલરની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.