યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડો નોંધાતા અને ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળતાં યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો શુક્રવારે 61 પૈસા વધીને 86.07ની સપાટીએ બંધ રહ્યો હતો.

જે માર્ચ-2023 પછીનો એટલે કે છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. બુધવારે મોડી રાત્રે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના ભારત સહિતના 60 દેશો પર લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટેરિફના અમલને 90 દિવસ મુલતવી રાખવાની જાહેરાત કરીને તેને પગલે ભારતીય રૂપિયામાં આટલો મજબૂત વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે બજાર બંધ હોવાથી આજે આ તેજી નોંધાઇ હતી. ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જ ખાતે રૂપિયો બુધવારની 86.68ની સપાટીની તુલનાએ 46 પૈસા વધીને 86.22ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 86થી ઉપર જઇને 85.95ની હાઇ સપાટી બનાવ્યા પછી અંતે તે 61 પૈસા વધીને 86.07ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિશ્વની છ અગ્રણી કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ 100થી નીચે ગયો હતો. આ ઇન્ડેક્સ 1.52 ટકા ઘટીને 99.335ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વાર આ ઇન્ડેક્સ 100થી નીચે ગયો છે જેના કારણે રૂપિયામાં આજે જંગી વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ આજે ફ્યુચર્સ ટ્રેડમાં બ્રેન્ટ ક્રૂડ 0.08 ટકા જેટલું વધીને પ્રતિ બેરલ 63.68 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.

ટેરિફના ટેરરથી એપ્રિલમાં રૂપિયો 0.73 ટકા ઘટયો

પહેલી એપ્રિલથી 11 એપ્રિલ સુધીમાં ભારતીય રૂપિયો 0.73 ટકા ઘટયો છે, જે તમામ એશિયન કરન્સિમાં જોવ મળેલો બીજા ક્રમાંકનો સૌથી વધારે ઘટાડો છે. એક માત્ર ઇન્ડોનેશિયન રૂપિયો આ સમયગાળામાં ભારતીય રૂપિયાથી વધારે એટલે કે 1.40 ટકા ઘટયો છે. જોકે એશિયા સિવાયના અન્ય કેટલાક દેશોની કરન્સિમાં રૂપિયાથી વધારે ઘટાડો નોંધાયો છે. જેમ કે સાઉથ આફરીકાના ચલણમાં આ સમયગાળામાં 4.31 ટકાનો, બ્રાઝિલના ચલણમાં 3.45 ટકાનો, નોર્વેના ચલણમાં 1.60 ટકાનો અને ઓસ્ટ્રેલિયન ડોલરમાં 0.92 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ફોરેક્સ રિઝર્વ 10.8 અબજ ડોલર વધીને 676 અબજ ડોલર

ચોથી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ 10.8 અબજ ડોલર વધીને 676 અબજ ડોલર થયું છે. આ સપ્તાહમાં એફસીએ 9 અબજ ડોલર વધીને 574.08 અબજ ડોલર થઇ છે જ્યારે ગોલ્ડ રિઝર્વ 1.5 અબજ ડોલર વધીને 79.36 અબજ ડોલર થયું છે.