ટ્રમ્પે ટેરિફમાં આપેલી રાહતને પગલે આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો વધીને ફરી 86ના સ્તરથી ઉપર બંધ રહ્યો હતો. શુક્રવારના 86.05ના બંધની તુલનાએ આજે રૂપિયો 28 પૈસા વધીને 85.77ની સપાટીએ બંધ રહ્યો હતો.
શુક્રવારે 61 પૈસાનો છેલ્લા બે વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાવ્યા પછી આજે પણ રૂપિયામાં મજબૂતાઇ જળવાઇ હતી. આજે ઇન્ટરબેક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 20 પૈસા વધીને 85.85ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 85.71ની હાઇ બનાવ્યા પછી અંતે 85.77ની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડર્સના જણાવ્યા અનુસાર રૂપિયામાં મજબૂતાઇ માટે ડોલરમાં જોવા મળેલી નરમાશ, ભારતીય શેરબજારમાં તીવ્ર તેજી અને એફઆઇઆઇની નેટ લેવાલી જવાબદાર છે. ડોલર ઇન્ડેક્સ આજે 0.06 ટકા ઘટીને 99.56ની સપાટીએ ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જે એપ્રિલ, 2022 પછીની સૌથી નીચી સપાટી છે. બ્રેન્ટ ક્રુડ ઓઇલ 0.63 ટકા ઘટીને પ્રતિ બેરલ 64.47ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રુડ 0.63 ટકા ઘટીને 61.14 ડોલરની સપાટીએ ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
