આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો સતત પાંચમાં સેશનમાં વધીને બંધ રહ્યો હતો. ક્રુડ ઓઇલના ભાવમાં ફરી ઘટાડાની ચાલ અને ડોલરમાં પણ નરમાશ આગળ વધતાં રૂપિયામાં મજબૂતાઇ જળવાઇ હતી અને સેશનના અંતે રૂપિયો ડોલર સામે 24 પૈસા વધીને 85.14ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે રૂપિયો છેલ્લા પાંચ સેશનમાં કુલ 155 પૈસા વધ્યો છે.

ગુરુવારે 26 પૈસા વધીને 85.38ની સપાટીએ બંધ રહ્યા પછી આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 23 પૈસા વધીને 85.15ની સપાટીએ ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 85.03ની હાઇ અને 85.19ની લો સપાટી બનાવી હતી અને અંતે 24 પૈસા વધીને 85.14ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયાની આજની 85.03ની હાઇ સપાટી છેલ્લા બે સપ્તાહની સૌથી ઊંચી સપાટી છે. રૂપિયામાં મજબૂતાઇ માટે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં કરેલી રૂ. 16,638 કરોડની નેટ લેવાલી પણ જવાબદાર છે. દરમિયાન વિશ્વની અગ્રણી છ કરન્સિ સામે ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ આજે 1.13 ટકા ઘટીને 98.10 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જે એપ્રિલ, 2022 પછીની આ ઇન્ડેક્સની સૌથી નીચી સપાટી છે. આ સાથે 2025માં અત્યાર સુધીમાં ડોલર ઇન્ડેક્સમાં કુલ 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્રુડ ઓઇલમાં વૈશ્વિક બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રુડ આજે ફરી પાછું 2.83 ટકા ઘટીને પ્રતિ બેરલ 66.04 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ડબ્લ્યુટીઆઇ ક્રુડ 2.98 ટકા ઘટીને 62.75 ડોલરની સપાટીએ પહોંચ્યું હતું.