આજે સતત ચોથા દિવસે યુએસ ડોલર સામે રૂપિયો ઘટીને બંધ રહ્યો હતો અને કાલની જેમ આજનો ઘટાડો પણ નોંધપાત્ર હતો. યુએસએ છેડેલા ટેરિફ વોરમાં ઉગ્રતાના એંધાણ વચ્ચે વધી રહેલી વૈશ્વિક અનિશ્ચીતતાઓને કારણે આજે રૂપિયો 45 પૈસા એટલે કે 0.5 ટકા ઘટીને 86.71ની સપાટીએ બંધ રહ્યો હતો. આ સાથે છેલ્લા ત્રણ સેશનમાં રૂપિયામાં 148 પૈસા ઘટયો છે અને આજની બંધ સપાટી રૂપિયાની છેલ્લા ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે.
આજે ઇન્ટર બેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો 86.26ના પાછલા બંધની તુલનાએ 26 પૈસા ઘટીને 86.52ની સપાટીએ ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 86.47ની હાઇ અને 86.71ની લો સપાટી બનાવી હતી. અંતે રૂપિયો 45 પૈસા ઘટીને 86.71ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઇ કાલે રૂપિયામાં નોંધાયેલો 50 પૈસાનો ઘટાડો 13 જાન્યુઆરી, 2025 પછી જોવા મળેલો સૌથી મોટો ઘટાડો હતો. 13 જાન્યુઆરીએ રૂપિયામાં 66 પૈસાનું ધોવાણ થયું હતું.
