અદાણી જુથની કંપનીઓમાં રોકાણ ધરાવતા મોરેશિયસ સ્થિત બે ફંડોએ તેમના આ જુથના શેરહોલ્ડિંગ અંગેની વિગતો જાહેર કરી નથી જેને પગલે બજારનું નિયમન કરતી સંસ્થા સેબીએ આ બન્ને ફંડોને દંડ ફટકારવાની અને તેમનું લાયસંસ કેન્સલ કરવાની ચેતવણી આપી છે. આ બન્ને ફંડોને છેલ્લા બે વર્ષથી અદાણી જુથની કંપનીઓમાં હોલ્ડિંગ અંગેની વિગતો જાહેર કરવા માટે સતત વિનંતી કરવામાં આવી છે છતાં તેઓ આ વિગતો જાહેર કરતા નથી.
2023માં હિન્ડબર્ગ રિપોર્ટ જાહેર થયો ત્યારથી અત્યાર સુધીમાં અદાણી જુથ અને 13 ઓફશોર ઇન્વેસ્ટર્સ સેબીની તપાસનો સામનો કરી રહ્યા છે. આ રિપોર્ટમાં અદાણી જુથ દ્રારા ટેક્સ હેવન દેશોનો ગેરકાયદે ઉપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જોકે અદાણી જુથે વારંવાર આ આરોપો ફગાવી દીધા છે. સેબીના નિયમો મુજબ કોઇ પણ લિસ્ટેડ કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ ઓછામાં ઓછું 25 ટકા હોય એ ફરજિયાત છે, પરંતુ રિપોર્ટમાં કરવામાં આવેલા આક્ષેપ મુજબ અદાણી જુથની કેટલીક કંપનીઓમાં કેટલાક વિદેશી ફંડો દ્રારા ખૂદ આ જુથ જ હોલ્ડિંગ ધરાવે છે અને તેને પબ્લિક શેરહોલ્ડિંગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી સેબીએ મોરેશિયસ સ્થિત બે ફંડ ઇલારા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને વેસ્પરા ફંડને 2023માં અદાણી જુથની કંપનીઓમાં તેઓ કેટલું હોલ્ડિંગ ધરાવે છે તેની વિગતો આપવા આદેશ કર્યો હતો, પણ આ ફંડોએ હજી આ વિગતો આપી નતી. આથી સેબીએ 28મી માર્ચના રોજ વધુ એક નોટિસ પાઠવી આ ફંડોને ઉક્ત વિગતો જાહેર કરવા અથવા તો દંડ કે લાયસંસ રદ થાય એવા આકરા પગલાં માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ બન્ને ફંડોએ સેબી સમક્ષ આરોપો સ્વીકાર્યા વગર દંડ ભરીને સમાધાન કરી લેવા માટે પણ અરજી કરી છે.
