આજે સતત પણ સાંકડી વધઘટ વચ્ચે એફએમસીજી અને ઓટો સ્ટોક્સમાં મંદીને પગલે ભારતીય શેરબજારના સુચકાંકો ઘટીને બંધ રહ્યા હતા, જેને પગલે સતત ચોથા દિવસે મંદી છવાઇ હતી.
રોકાણ માટે સલામત ગણાતા એફએમસીજી શેરોમાં પણ આજે કડાકો બોલાતા એફએમસીજી ઇન્ડેક્સ 2.83 ટકા તૂટયો હતો. બીજી તરફ પીએસયુ બેંકમાં આજે તેજી જોવા મળી હતી. પ્રારંભે 17 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 80,259ની હાઇ અને 79,813ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 446 પોઇન્ટની વધઘટ પછી અંતે સેન્સેક્સ 16 પોઇન્ટ એટલે કે 0.02 ટકા ઘટીને 80,065ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી જોકે 23 પોઇન્ટી નીચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,480ની હાઇ અને 24,341ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 139 પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી 36 પોઇન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 24,399ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 59 પોઇન્ટ એટલે કે 0.13 ટકા ઘટીને 46,137ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 386 પોઇન્ટ એટલે કે 0.72 ટકા ઘટીને 53,643ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 481 પોઇન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 97, 347ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર ટ્રેડ થયેલા કુલ 4,033 શેર પૈકી 1,584 વધીને, 2,349 ઘટીને અને 100 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ ઘટીને રૂ. 443.79 લાખ કરોડ એટલે કે 5.28 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ગઇ કાલના રૂ. 445.31 લાખ કરોડથી રૂ. 1.52 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 19 શેર જ્યારે નિફ્ટીના 50 પૈકી 26 શેર આજે વધીને બંધ રહ્યા હતા. અલ્ટ્રાટ્રેક સિમેન્ટમાં 2.77 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એચયુએલમાં 5.81 ટકાનો, એસબીઆઇ લાઇફમાં 4.67 ટકાનો, હિંદાલકોમાં 3.71 ટકાનો, નેસ્લેમાં 2.76 ટકાનો, બજાજ ઓટોમાં 2.69 ટકાનો બ્રિટાનિયામાં 2.26 ટકાનો અને આઇટીસીમાં 2.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજની મંદી વચ્ચે પણ વોલેટાલિટી ઇન્ડેક્સ 4.46 ટકા ઘટીને 13.97ની સપાટીએ આવી ગયો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી સાત વધીને અને સાત ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં 2.83 ટકાનો અને રિઆલ્ટીમાં 1.13 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પીએસયુ બેંકમાં 1.22 ટકાનો વધારો નોંધાયો હતો.
મિડ કેપ ઇન્ડેક્સમાં 59 આંક, સ્મોલ કેપમાં 386 આંકનો ઘટાડો
રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.52 લાખ કરોડનો ઘટાડો
નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સમાં 2.83 ટકાનો ઘટાડો
નિફ્ટી PSU
બેંક ઇન્ડેક્સમાં 1.22 ટકાનો વધારો
FIIની 5,062 કરોડની નેટ વેચવાલી
FIIએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 5,062 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 3,620ની નેટ ખરીદી કરી હતી. આ સાથે ઓક્ટોબર મહિનામાં FIIએ કરલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 98,037 કરોડ જ્યારે DIIની નેટ લેવાલીનો આંકડો રૂ. 92,918 કરોડ થાય છે.