આજે નિફ્ટીના કોન્ટ્રાક્ટની વિક્લી એક્સપાઇયરી ડેટ હતી ત્યારે ભારે અફરાતફરીભર્યા સેશનના અંતે ભારતીય શેરબજારના સુચકાંકો નજીવા ઘટીને બંધ રહ્યા હતા.
ભારતમાં ફુગાવાનો દર ઘટયો છે તેની રાહત વચ્ચે રોકાણકારોમાં યુએસમાં ફુગાવાના દરનો આંકડો કેટલો આવશે અને ટ્રેડ વોર કેવો આકાર લેશે તેની ચિંતા વધતા બજાર આજે ઉતારચઢાવ વચ્ચે ઝોલા ખાતું જોવા મળ્યું હતું અને સતત સાતમાં દિવસે બજારમાં મંદી હાવિ થઇ હતી.
પ્રારંભે 31 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 76,764ની હાઇ અને 76,013ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 751 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 32 પોઇન્ટ એટલે કે 0.04 ટકા ઘટીને 76,138ની સપાટીએ બંધ રહ્યો હતો. પ્રારંભે ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સમાં તેજી તરફી ચાલ રહી હતી અને એક સમયે તે પાછલા બંધથી 593 પોઇન્ટ ઊંચકાયો હતો. જોકે લગભગ 12 વાગ્યા પછી બજારમાં ઘટાડાનો દૌર શરૂ થયો હતો જે સેશનના અંતે સુધી ચાલ્યો હતો અને વધેલા મથાળેથી સેન્સેક્સ 626 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 10 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 23,235ની હાઇ અને 22,992ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 243 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી 13 પોઇન્ટ એટલે કે 0.06 ટકા ઘટીને 23,031ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ એક સમયે પાછલા બંધથી 190 પોઇન્ટ ઊંચકાયો હતો, પરંતુ પછી વધ્યા મથાળેથી 204 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 27 પોઇન્ટ એટલે કે 0.07 ટકા વધીને 40,788ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 202 પોઇન્ટ એટલે કે 0.43 ટકા ઘટીને 46,933ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સમાં આજે બીજા દિવસે પણ તેજી હતી અને આ ઇન્ડેક્સ 919 પોઇન્ટ એટલે કે 0.98 ટકા વધીને 95,019ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,074 શેર પૈકી 1,858 વધીને, 2,089 ઘટીને અને 127 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ આજે રૂ. 407.26 લાખ કરોડ એટલે કે 4.69 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 407.46 લાખ કરોડથી રૂ. 20,000 કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 16 અને નિફ્ટીના 50 પૈકી 23 શેર વધીને બંધ રહ્યા હતા. અદાણી એન્ટરપ્રાઇસિસમાં આજે 4.93 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે પણ 0.40 ટકા વધીને 14.96ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી સાત વધીને અને સાત ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી ફાર્મામાં 1.35 ટકાનો, હેલ્થકેરમાં 1.24 ટકાનો અને મેટલમાં 0.82 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી આઇટીમાં 1 ટકાનો, પીએસયુ બેંકમાં 0.90 ટકાનો અને એફએમસીજીમાં 0.79 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
એફઆઇઆઇની રૂ. 2,789 કરોડની નેટ વેચવાલી
એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 2,789 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 2,934 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે ફેબ્રુઆરીમાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 24,887 કરોડ થાય છે અને ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો રૂ. 21,654 કરોડ થાય છે.
રૂપિયો ફ્લેટ મથાળે બંધ
યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો આજે 86.8975ના સ્તરે બંધ રહ્યો હતો, જે ગઇકાલના 86.8925ના સ્તરથી સાવ નજીવો ઘટાડો દર્શાવે છે. આજે આયાતકારોમાં ડોલરની ડિમાન્ડ અને અન્ય એશિયન કરન્સિમાં મજબૂતાઇ વચ્ચે રૂપિયો ઉતારચઢાવ વચ્ચે ઝોલા ખાતો જોવા મળ્યો હતો. છેલ્લા બે દિવસમાં આરબીઆઇએ જંગી પ્રમાણમાં ડોલર વેચતા રૂપિયામાં મજબૂતાઇ જોવા મળી છે અને ચાલુ સપ્તાહમાં તે લગભગ 88ની સપાટીથી ઘટીને 86.89 સુધી આવી ગયો છે.










