ગુરુવારે સેન્સેક્સ 82,000ની અને નિફ્ટી 25,000ની સપાટી પાર કરીને સાત મહિનાની ટોચે પહોંચ્યા.
તે પછી આજે બજારની તેજીને ઉત્તેજન આપે એવા કોઇ મોટા ટ્રિગરના અભાવ વચ્ચે આજના સાંકડી વધઘટ ધરાવતા સેશનમાં આઇટી, મેટલ અને બેંક શેરોમાં પ્રોફિટ બુકિંગને પગલે ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો નજીવા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આમ છતાં સેન્સેક્સે 82,000નું અને નિફ્ટીએ 25,000નું સ્તર જાળવ્યું હતું. બીજી તરફ લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી.
પ્રારંભે 138 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ભારે અફરાતફરીભર્યા માહોલ અને સાંકડી વધઘટ વચ્ચે સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 82,514ની હાઇ અને 82,146ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 368 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 200 પોઇન્ટ એટલે કે 0.24 ટકા ઘટીને 82,330ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રારંભે જોકે 2 પોઇન્ટ ઊંચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 25,070ની હાઇ અને 24,953ની લો સપાટી બનાવ્યા પછી અંતે 42 પોઇન્ટ એટલે કે 0.17 ટકા ઘટીને 25,019 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં ઇન્ટ્રા ડેમાં કુલ 117 પોઇન્ટની વધઘટ નોંધાઇ હતી. આમ નિફ્ટીએ 25,000નું સ્તર અને સેન્સેક્સે 82,000નું સ્તર જાળવ્યું હતું. જોકે લાર્જ કેપમાં મંદીની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી અને બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 380 પોઇન્ટ એટલે કે 0.85 ટકા વધીને 45,005 પર બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 595 પોઇન્ટ એટલે કે 1.18 ટકા વધીને 51,045 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 453 પોઇન્ટ એટલે કે 0.49 ટકા વધીને 93,290ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,126 શેર પૈકી 2,607 વધીને, 1,380 ઘટીને અને 139 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ વધીને રૂ. 442.84 લાખ કરોડ એટલે કે 5.18 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇ કાલના રૂ. 440.19 લાખ કરોડથી રૂ. 2.65 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 17 જ્યારે નિફ્ટીના 26 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એટર્નલમાં 1.38 ટકાનો અને એચયુએલમાં 1.10 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ભારતી એરટેલ 2.81 ટકા અને એચસીએલ ટેક 2.14 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટી પરના 14 મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 5 ઘટીને, એક ફ્લેટ મથાળે અને બાકીના 8 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઓટો 0.62 ટકા વધીને જ્યારે નિફ્ટી આઇટી 0.84 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
રૂ. 8,831 કરોડની નેટ લેવાલી સાથે મે મહિનામાં એફઆઇઆઇ ખરીદીમાં ડીઆઇઆઇ કરતાં આગળ
એફઆઇઆઇએ આજે રૂ. 8,831 કરોડની જંગી નેટ લેવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 5,187 કરોડની નેટ વેચવાલી કરી હતી. આ સાથે મે મહિનાના કુલ 11 સેશનમાં એફઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો રૂ. 23,782 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇએ કરેલી નેટ લેવાલીનો આંકડો 23,298 કરોડ થાય છે. આમ લેવાલીમાં એફઆઇઆઇ ડીઆઇઆઇ કરતાં આગળ વધી ગઇ છે. ચાલુ મહિનાના કુલ 11 સેશનમાંથી માત્ર બે જ સેશનમાં એફઆઇઆઇ અને ડીઆઇઆઇ બન્નેએ નેટ વેચવાલી કરી છે.
તુર્કી કંપની સેલિબીના શેરમાં 10 ટકાનો કડાકો
ભારત સાથેના તણાવમાં પાકિસ્તાનને તુર્કીએ સાથ આપ્યો તેને પગલે બીસીએએસએ તુર્કી સ્થિત કંપની સેલિબીના ભારતીય એકમ સેલિબી એરપોર્ટ સર્વિસીસ ઇન્ડિયાને આપવામાં આવેલું સિક્યુરિટી સર્ટિફિકેટ રદ કરતાં ઇસ્તબુંલ ખાતે સેલિબીના શેરમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે છેલ્લા ચાર સેશનમાં આ શેરમાં કુલ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ કંપની રૂ. 10,700 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે.