વિદેશી ફંડોની સતત લેવાલી અને ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂતાઇને પગલે આજે ભારે અફરાતફરીભર્યા માહોલમાં ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો વધીને બંધ રહ્યા હતા.
રિલાયન્સમાં સપ્તાહ દરમિયાન કુલ આશરે 10 ટકા જેટલા વધારા સાથે સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 1.62 ટકાનો અને નિફ્ટીમાં 1.28 ટકાનો વધારો નોંધાયો હતો અને બજાર સતત ત્રીજા સપ્તાહમાં વધીને બંધ રહ્યું હતું. જોકે સુપ્રિમ કોર્ટે ભુષણ પાવર એન્ડ સ્ટીલનું લિક્વિડેશન કરવાનો આદેશ આપતા આ કંપનીને હસ્તગત કરવા માંગતી કંપની જેએસડબ્લ્યુ સ્ટીલના ભાવમાં 5.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
પ્રારંભે 58 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 81,000નું સ્તર વટાવી 81,177ની હાઇ અને 80,168ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 1,009 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 259 પોઇન્ટ એટલે કે 0.32 ટકા વધીને 80,501ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીએ જોકે 23 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 24,589ની હાઇ અને 24,238ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 351 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 12 પોઇન્ટ એટલે કે 0.05 ટકા વધીને 24,346ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જકેપમાં તેજીની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં આજે મંદી જોવા મળી હતી. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 175 પોઇન્ટ એટલે કે 0.41 ટકા ઘટીને 42,707ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 34 પોઇન્ટ એટલે કે 0.07 ટકા ઘટીને 47,365 પર બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 82 પોઇન્ટ એટલે કે 0.09 ટકા ઘટીને 90,838ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,085 શેર પૈકી 1,761 વધીને, 2,183 ઘટીને અને 141 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 422.81 કરોડ એટલે કે 5.04 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે બુધવારના રૂ. રૂ. 423.24 લાખ કરોડથી રૂ. 43,000 કરોડનો ઘટાડો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 19 અને નિફ્ટીના 50 પૈકી 18 શેર વધીને બંધ રહ્યા હતા. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.19 ટકા વધીને 18.26 થયો હતો. નિફ્ટીના 14 પૈકી 6 વધીને બંધ રહ્યા હતા.
ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાનના શેરબજારમાં 7,000 પોઇન્ટનો કડાકો
22 એપ્રિલે પહેલગામમાં ત્રાસવાદી હુમલો થયો તે પછી ભારત વળતો પ્રહાર કરશે એવી ભીતિએ પાકિસ્તાનના કરાંચી સ્ટોક એક્સચેન્જમાં સતત મંદી જોવા મળી છે અને સ્થાનિક બેન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઇ 100 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં કુલ 7,100 પોઇન્ટ એટલે કે આશરે 6 ટકા જેટલો ઘટયો છે.