ભારતે ત્રાસવાદી હુમલાના જવાબમાં કરેલી ડિપ્લોમેટિક સ્ટ્રાઇકને પગલે જિયોપોલિટીકલ ટેન્શન ઊભું થતાં અને બેંકિગ તથા ફાયનાન્સિયલ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવતા આજે ભારતીય શેરબજારમાં સતત સાત સેશનથી ચાલતી તેજી પર બ્રેક વાગી હતી અને સેન્સેક્સે 80,000નું સ્તર ગુમાવ્યું હતું, જ્યારે નિફ્ટી 24,250થી નીચે બંધ રહ્યો હતો. જોકે આજે ફાર્મા અને મેટલ શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી.
પ્રારંભે 58 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 80,173ની હાઇ અને 79,724ની લો સપાટી બનાવી હતી. આમ દિવસમાં કુલ 449 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 315 પોઇન્ટ એટલે કે 0.39 ઘટીને 79,801ની સપાટીએ બંધ રહ્યો હતો અને 80,000ની સપાટી પણ ગુમાવી હતી. નિફ્ટીએ પણ પ્રારંભમાં 51 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,347ની હાઇ અને 24,216ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 131 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 82 પોઇન્ટ એટલે કે 0.34 ટકા ઘટીને 24,246ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ પણ 69 પોઇન્ટ એટલે કે 0.16 ટકા ઘટીને 43,590ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 5 પોઇન્ટ એટલે કે 0.01 ટકા ઘટીને 49,267ની સપાટીએ બંધ રહ્યો હતો. એક માત્ર એસએમઇ આઇપીઓ શેરમાં તેજી જોવા મળી હતી અને બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ 681 પોઇન્ટ એટલે કે 0.73 ટકા વધીને 94,403ની સપાટીએ બંધ રહ્યો હતો.
