ટ્રમ્પની ટ્રેડ વોરને પગલે વૈશ્વિક અનિશ્ચીતતાઓ વધશે અને યુએસનું અર્થતંત્ર મંદ પડશે એવી ભીતિએ એશિયા સહિતના વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા કડાકાને પગલે આજે ભારતીય શેરબજારમાં પણ મંદી છવાઇ હતી.
રોકાણકારોમાં તીવ્ર ગભરાહટ વચ્ચે સેન્સેક્સ આશરે 4,000 પોઇન્ટ અને નીફ્ટી 1,150 પોઇન્ટ જેટલા કડાકા સાથે જ ખુલ્યો હતો. જોકે તે પછી સેશન જેમ જેમ આગવ વધ્યું તેમ તેમ નીચા મથાળે વેલ્યૂ બાયિંગને પગલે બજારમાં ઘટાડો સીમિત રહ્યો હતો. આજનો ઇન્ટ્રા ડેમાં જોવા મળેલો ઘટાડો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તે પછીનો સૌથી વધારે હતો એટલે કે આ ઘટાડો છેલ્લા દસ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. સેન્સેક્સ આજે પ્રારંભે જ 3,915 નીચામાં 72,000થી પણ નીચે જઇ 71,449 પર ખુલ્યો હતો અને પ્રારંભિક તબક્કામાં જ વધુ ઘટીને 71,425ની ઇન્ટ્રા ડે લો સપાટી બનાવી હતી. એ સમયે સેન્સેક્સ પાછલા બંધથી કુલ 3,939 પોઇન્ટ ઘટયો હતો. જોકે તે પછી થોડો ઘણો સુધારો આવતા અને અંતિમ કલાકોમાં વેલ્યુ બાયિંગ જોવા મળતાં સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 73,403ની હાઇ સપાટી બનાવ્યા પછી અંતે 2,226 પોઇન્ટ એટલે કે 2.95 ટકા ઘટીને 73,137ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સની ઇન્ટ્રા ડે હાઇ પણ પાછલા બંધથી 1,961 પોઇન્ટ નીચે રહી હતી અને દિવસ દરમિયાન આ સુચકાંકમાં કુલ 1,978 પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. નીફ્ટી પણ પ્રારંભે 1,146 પોઇન્ટના કડાકા સાથે 22,000થી પણ નીચે જઇને 21,758ની સપાટીએ ખુલ્યો હતો, જે પછી આ ઇન્ડેક્સે 21,743ની લો અને 22,254ની હાઇ સપાટી બનાવી હતી. આમ કુલ 511 પોઇન્ટની વધઘટને અંતે નીફ્ટી 742 પોઇન્ટ એટલે કે 3.24 ટકા ઘટીને 22,161ની સપાટીએ બંધ રહ્યો હતો. નીફ્ટીની ઇન્ટ્રા ડે હાઇ સપાટી પણ પાછલા બંધથી 650 પોઇન્ટ નીચી રહી હતી. જોકે વેલ્યુ બાયિંગને પગલે સેન્સેક્સ ઘટયા મથાળેથી 1,712 પોઇન્ટ અને નીફ્ટી ઘટયા મથાળેથી 418 પોઇન્ટ વધીને બંધ રહ્યો હતો.
