આજે ભારે અફરાતફરી ભર્યા માહોલ અને નબળા કંપની પરિણામો તથા વિદેશી ફંડોની વેચવાલી વચ્ચે પ્રારંભિક સમયગાળામાં દબાણ હેઠળ રહ્યા પછી છેલ્લા કલાકોમાં બેંકિગ તથા ફાયનાન્સિયલ શેરોમાં નોંધપાત્ર તેજીને પગલે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ અંતે વધીને બંધ રહ્યા હતા.


જોકે ઓટો ક્ષેત્રમાં મંદીનો ઓછાયો જોવા મળ્યો હતો. લાર્જ કેપ શેરોની જેમ જ મિડ કેપ તથા સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. પ્રારંભે 32 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 80,450ની હાઇ અને 79,421ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 1,029 પોઇન્ટની વધઘટ પછી દિવસને અંતે સેન્સેક્સ 363 પોઇન્ટ એટલે કે 0.45 ટકા વધીને 80,369ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પ્રારંભે 11 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને તે પછી ઇન્ટ્રા ડેમાં 24,484ની હાઇ અને 24,140ની લો સપાટી બનાવી હતી. આમ ઇન્ટ્રા ડેમાં કુલ 344 પોઇન્ટની વધઘટ પછી અંતે નિફ્ટી 127 પોઇન્ટ એટલે કે 0.52 ટકા વધીને 24,466ના મથાળે બંધ રહ્યો હતો. લાર્જ કેપની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ થોડો વધારે સારો દેખાવ કર્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 337 પોઇન્ટ એટલે કે 0.74 ટકા વધીને 46,103ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 374 પોઇન્ટ એટલે કે 0.71 ટકા વધીને 53,289ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 790 પોઇન્ટ એટલે કે 0.83 ટકા વધીને 96,031ની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે એસબીઆઇમાં 5.13 ટકાનો, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 4.89 ટકાનો, આઇશર મોટર્સમાં 3.38 ટકાનો, એચડીએફસી લાઇફમાં 3.32 ટકાનો, આઇસીઆઇસીઆઇ બેંકમાં 3.08 ટકાનો, બજાજ ફિનસર્વમાં 2.18 ટકાનો અને એનટીપીસીમાં 2.11 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટાટા મોટર્સમાં 4.06 ટકાનો, મારૂતિમાં 3.79 ટકાનો, હિરો મોટર કોર્પમાં 2.88 ટકાનો, ડો. રેડ્ડીઝ લેબમાં 2.52 ટકાનો અને સન ફાર્મામાં 2.04 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 1.57 ટકા વધીને 14.52ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી 9 વધીને અને 4 ઘટીને બંધ રહ્યા હતા. નિફ્ટી બેકમાં 2.07 ટકાનો, ફાયનાન્સિયલ સર્વિસીસમાં 2.08 ટકાનો, પીએસયુ બેંકમાં 3.64 ટકાનો અને પ્રાઇવેટ બેંકમાં 1.53 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ ઓટો ઇન્ડેક્સ 1.57 ટકા, ફાર્મા 1.12 ટકા અને હેલ્થકેર ઇન્ડેક્સ 0.89 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે પીએસયુ બેંકોમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો અને નિફ્ટી પીએસયુ બેંકના તમામ ઘટક શેરો વધીને બંધ રહ્યા હતા. એસબીઆઇમાં 5.05 ટકાનો, ઇન્ડિયાન બેંકમાં, 4.81 ટકાનો, બેંક ઓફ મહારાષ્ટ્રમાં 4.76 ટકાનો, સેન્ટ્રલ બેંકમાં 3.18 ટકાનો, આઇઓબીમાં 2.98 ટકાનો, પીએનબીમાં 2.87 ટકાનો, કેનેરા બેંકમાં 2.81 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સના તમામ ઘટક શેરો પૈકી એક માત્ર ઇન્ડસઇન્ડ બેંક ઘટયો હતો, જ્યારે બાકીના તમામ શેરો વધીને બંધ રહ્યા હતા. ફેડરલ બેંકમાં 8.55 ટકાનો અને આઇસીઆઇસીઆઇ બેંકમાં 3 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સના ઘટક શેરો પૈકી ઇન્ડસઇન્ડ બેંકમાં 1.50 ટકાનો અને બંધન બેંકમાં 5.82 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બાકીના તમામ શેરો વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં પણ એક માત્ર શ્રાીરામ ફાઇનાન્સ 0.23 ટકા ઘટયો હતો, જ્યારે બાકીના તમામ ઘટક શેરો વધીને બંધ રહ્યા હતા. પીએફસીમાં 5.13 ટકાનો, આરઇસીમાં 4.76 ટકાનો અને એમસીએક્સમાં 4.08 ટકાનો વધારો નોંધાયો હતો. બેકિંગ અને ફાઇનાન્સિયલ શેરોમાં આવી તેજીને પગલે પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.64 ટકા, બેંક ઇન્ડેક્સ 2.07 ટકા, પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ 1.53 ટકા અને ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડેક્સ 2.08 ટકા વધ્યો હતો.

 આજે બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 3,991 શેર પૈકી 2,189 વધીને, 1,679 ઘટીને અને 123 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 પૈકી 16 જ્યારે નિફ્ટીના 50 પૈકી 31 શેર આજે વધીને બંધ રહ્યા હતા. આમ માર્કેટ બ્રેથ પોઝિટિવ હતી અને સેન્સેક્સ-નિફ્ટીના ઘટક શેરોમાં પણ વધીને બંધ થયેલા શેરોની સંખ્યા વધારે હતી. આ ઉપરાંત સેન્સેક્સ હેવિવેઇટ શેરો પણ વધીને બંધ રહ્યા હતા. આમ છતાં બીએસઇની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટા મુજબ બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે ઘટીને રૂ. 434.86 લાખ કરોડ એટલે કે 5.17 ટ્રિલિયન ડોલર થયું હતું, જે ગઇ કાલના રૂ. 441.20 લાખ કરોડના આંકથી રૂ. 6.34 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.

આજે એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં માત્ર રૂ. 548 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 730 કરોડની નેટ ખરીદી કરી હતી. આ સાથે ઓક્ટોબર મહિનામાં એફઆઇઆઇએ કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 1,02,919 થાય છે. આમ ચાલુ મહિનામાં એફઆઇઆઇની નેટ વેચવાલીની સરેરાશ પ્રતિ દિવસ રૂ. 3,548 કરોડ થાય છે જેની તુલનાએ આજે એફઆઇઆઇએ આજે માત્ર રૂ. 548 કરોડની જ નેટ વેચવાલી કરી હતી. આજની ખરીદી સાથે ઓક્ટોબરમાં ડીઆઇઆઇએ કરેલી નેટ ખરીદીનો આંકડો રૂ. 99,207 કરોડ થાય છે.


  • Follow us on: