યુએસ ગ્રાહકોની માંગમાં નરમાઈ તેમજ ટેરિફના જોખમો અંગેની ચિંતા વચ્ચે અમેરિકન માર્કેટમાં ઘટાડાના સંકેતોને પગલે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર ઊંધા માથે પટકાયું હતું. સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં બજારમાં મંદી જોવા મળી હતી.


બીએસઈ સેન્સેક્સ 856.65 પોઈન્ટ એટલે કે, 1.14 ટકા ઘટીને 75,000ની સપાટી તોડી 74,454.41 આંક પર સમેટાયો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી 242.55 પોઈન્ટ એટલે કે, 1.06 ટકા ઘટીને 22,600 પોઈન્ટના સ્તરને તોડીને 22,553.35 આંક પર બંધ રહ્યો હતો. સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન માર્કેટ દબાણ હેઠળ રહ્યું હતું. વધારાના ટેરિફ પગલાંને કારણે અમેરિકામાં ફુગાવો વધવાની ધારણા હોવાથી યુએસમાં ગ્રાહક સેન્ટિમેન્ટ 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે. વૈશ્વિક પ્રતિકૂળ અસરોને કારણે ઘરેલૂં બજારમાં દબાણ અવિરત છે. સતત અસ્થિરતાને કારણે રિટેલ રોકાણકારોનું વલણ પણ અનિશ્ચિત બન્યું છે.

સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 74,893.45ના મથાળે ઓપન થયું હતું. ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સે 923.62 પોઈન્ટનો ઘટાડો નોંધાવી 74,387.44 આંકની નીચી સપાટી બનાવી હતી. નિફ્ટીઅએ ઈન્ટ્રાડેમાં 22,548.35 પોઈન્ટનું નીચું સ્તર બનાવ્યું હતું. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં એફએમસીજી અને ફાર્માએ 0.32 ટકાના નજીવા લાભ સાથે સ્થિતિસ્થાપકતા દર્શાવી હતી. જ્યારે આઈટી ક્ષેત્રમાં 2.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેટલ, બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સમાં પણ એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 સૂચકાંકો અનુક્રમે 1.02 ટકા અને 0.94 ટકા ઘટયા હતા. ઓટો, ફાર્મા, એફએમસીજી સિવાય તમામ અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસ લાલ નિશાન પર બંધ રહ્યા હતા. ટેલિકોમ સેક્ટરમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો થયો હતો. હેડલાઈન ઈન્ડેક્સને પ્રતિબિંબિત કરતાં બ્રોડર બજારો નીચા મથાળે બંધ રહ્યા હતા. 30 સેન્સેક્સ શેરો પૈકી 23 લાલ નિશાન પર બંધ રહ્યાં હતા. એચસીએલ ટેક, ઝોમેટો, ટીસીએસ, ઈન્ફોસિસિ, ભારતી એરટેલ અને ટેક મહિન્દ્રા ટોપ લૂઝર્સ રહ્યાં હતા. આ સ્ટોક્સના મૂલ્યમાં 3.32 ટકા સુધીનું ધોવાણ થયું હતું. જ્યારે સાત શેરો લીલા નિશાન પર બંધ રહ્યા હતા. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેંક, મારૂતિ સુઝુકી, નેસ્લે ઈન્ડિયા, આઈટીસી, એક્સિસ બેંક અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે. આ સ્ટોક્સના મૂલ્યમાં 1.58 ટકા સુધીનો વધારો થયો હતો. સોમવારે માર્કેટમાં જંગી ધોવાણને કારણે રોકાણકારોએ રૂ.પાંચ લાખ લાખ કરોડની સંપત્તિ ગુમાવી હતી.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અસ્થિરતાએ સ્થાનિક બજારને અસર કરી છે. સતત વોલેટાલિટીથી રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે. જેઓ સામાન્ય રીતે જોખમ કરવા માંગતા નથી. નબળાં યુએસ કન્ઝયૂમર સેન્ટિમેન્ટ અને ટેરિફની ચિંતા ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) જેવા નિકાસલક્ષી ક્ષેત્રો પર વધુ દબાણ લાવી શકે છે. જો કે ટૂંકા ગાળામાં ભારતીય બજારના સેન્ટિમેન્ટ બદલાઈ શકે છે. સરકારી ખર્ચમાં વધારો, નીચા વ્યાજ દરો અને કરમાં ઘટાડા દ્વારા કમાણીના ડાઉનગ્રેડની ગતિ હળવી થવાની અપેક્ષા છે. આ પરિબળો એફએમસીજી, ગ્રાહક વિવેકાધીન અને બેંકિંગ જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપે તેવી શકયતા છે. હાલની મંદી મોટાભાગે વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે સંચાલિત છે. યુએસ અને ચીનની તરફેણમાં વૈશ્વિક બજારની ગતિશીલતાને કારણે સતત રહી છે. હાલ રોકાણકારો અમેરિકાની ટેરિફ નીતિઓની અસર પર નજીકથી નજર રાખી રહ્યાં છે. જેથી તેમના તરફથી રોકાણ સ્થિર જોવા મળી રહ્યું છે. બેરિશ ફ્લેગ અને પોલ પેટર્નથી નિફ્ટી તૂટયો છે. જે કરેક્શનની શરૂઆતનો સંકેત આપે છે. અહીંથી ઈન્ડેક્સ ટૂંકા ગાળામાં ઘટવાનું ચાલું રાખી શકે છે. તેમજ નીચલા સ્તર તરફ આગળ વધી શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, હાલ 22,450 પર તાત્કાલિક સપોર્ટ જોવા મળે છે અને આ સ્તરથી નીચે ઘટાડો 22,200 અથવા નીચલા સ્તર તરફ વધુ કરેક્શનને ટ્રિગર કરી શકે છે. ઉપર તરફ 22,670-22,700 રેન્જમાં તાત્કાલિક પ્રતિકાર જોવા મળી શકે છે.

દૈનિક ચાર્ટ પર નિફ્ટીએ લાલ નિશાન બનાવ્યું છે. ત્યારે નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું હતું કે, નિફ્ટીને 22,500 પર પ્રારંભિક સમર્થન મળી શકે છે. વિશ્લેષકો સૂચવે છે કે, બાહ્ય દબાણને કારણે ટૂંકા ગાળાની અસ્થિરતા ચાલુ રહી શકે છે. લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ અકબંધ છે. રોકાણકારોને એફએમસીજી, હેલ્થકેર અને ટેકનોલોજી જેવા મૂળભૂત રીતે મજબૂત ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને સાવચેતીપૂર્વક રોકાણની નિષ્ણાતોએ સલાહ આપી હતી. જે આગામી મહિનાઓમાં સ્થિતિસ્થાપકતા દર્શાવે તેવી અપેક્ષા છે.

શેરોની હિલચાલ પર એક નજર

સોમવારે બીએસઈ ખાતે 4,200 સ્ટોકસ પૈકી 1,207 શેરોના ભાવમાં વધારો થયો હતો, જ્યારે 2,811 શેરોના ભાવમાં ઘટાડો થયો હતો, તેમજ 183 સ્ટોક્સના ભાવમાં કોઈ ફેરબદલ થયો નથી, સોમવારના ટ્રેડિંગ કલાકો દરમિયાન 61 સ્ટોકસ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ ટ્રેડ થયા હતા, જ્યારે 283 શેરોએ પોતાનો બાવન સપ્તાહનો ઘટાડો નોંધાવ્યો હતો

FIIની રૂ.6,286.70 કરોડની નેટ વેચવાલી

સોમવારે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, સપ્તાહના પ્રથમ દિવસે પણ વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી જોવા મળી હતી, ફોરેન ઈન્સ્ટિટયૂશનલ ઈન્સ્ટિટયૂટ (એફઆઈઆઈ) તરફથી રૂ.7,905.53 કરોડના શેરોની ખરીદી સામે રૂ.14,192.23 કરોડના સ્ટોક વેચવામાં આવ્યા હતા, એટલે કે, એફઆઈઆઈ તરફથી રૂ.6,286.70 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી, જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટયૂશનલ ઈન્સ્ટિટયૂટ (ડીઆઈઆઈ) તરફથી રૂ.12,552.14 કરોડના શેરની ખરીદી સામે રૂ.7,366.49 કરોડના શેર વેચવામાં આવ્યા હતા, એટલે કે, ડીઆઈઆઈ તરફથી રૂ.5,185.65 કરોડના સ્ટોકસની નેટ ખરીદી જોવા મળી હતી.

ડોલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને 86.72 થયો

સોમવારે ડોમેસ્ટિક સ્ટોક માર્કેટમાં તીવ્ર ઘટાડા અને બ્રેન્ટ ક્રૂડ પ્રાઈસમાં વધારા વચ્ચે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ચાર પૈસા ઘટીને 86.72 થયો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં સ્થાનિક રૂપિયો 86.58ના મથાળે ખુલ્યો હતો. શુક્રવારના 86.68ના બંધથી દસ પૈસા વધ્યો હતો. પરંતુ સમગ્ર સત્ર દરમિયાન વધારો ગુમાવ્યો હતો. દરમિયાન ડોલર ઈન્ડેક્સ 106.61 પર ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો. અલબત્ત ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, મુખ્ય ચલણોના મુકાબલે ડોલર સ્થિર રહેતાં ઘરેલૂં ચલણાં વધુ ઘટાડો થયો ન હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આરબીઆઈ 28મી ફેબ્રુઆરીના રોજ દસ અબજ ડોલરના ત્રણ વર્ષીય ખરીદ-વેચાણને સ્વેપ કરવાની તૈયારીમાં છે. જેથી રોકડની તંગીની સ્થિતિમાં ઘટાડો કરી શકાય. જેથી પ્રીમિયમમાં વધુ ઘટાડો આવી શકે.


  • Follow us on: