યુએસએ બુધવારે મોડી રાત્રે રેસિપ્રોકલ ડયૂટીનો અમલ 90 દિવસ માટે મોકુફ રાખ્યો તેને પગલે આજે ભારતીય શેરબજારમાં વ્યાપક તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી આશરે 2 ટકા જેટલા વધારા સાથે બંધ રહ્યા હતા.

આના પગલે સાપ્તાહિક ધોરણે આ બન્ને સુચકાંકો સહિત તમામ મુખ્ય સુચકાંકો ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા અને સપ્તાહ દરમિયાન પ્રથમ દિવસે જોવા મળેલા નોંધપાત્ર કડાકાની અસર સરભર થઇ ગઇ હતી. જોકે આમ છતાં સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 0.27 ટકાનો અને નિફ્ટીમાં 0.33 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે મેટલ, ફાર્મા અને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર વકરશે એવી ભીતિએ આજે એશિયન બજારો જેવા જાપાન, સાઉથ કોરિયા અને સિંગાપોરમાં મંદીનો માહોલ હતો, આમ છતાં ભારતીય બજારોમાં તેજી છવાઇ હતી.

પ્રારંભે જ 988 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 75,467ની હાઇ અને 74,762ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 705 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 1,310 પોઇન્ટ એટલે કે 1.77 ટકા વધીને 75,157 પર બંધ રહ્યો હતો. એક પણ વાર પાછલા બંધથી નીચે ગયા વગર સેન્સેક્સ એક સમયે પાછલા બંધથી 1,620 પોઇન્ટ ઊંચકાયો હતો. નિફ્ટીએ પણ પ્રારંભે 296 પોઇન્ટ ઊચામાં 22,695 પર ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 22,923ની હાઇ હતી, જ્યારે 22,695ની તેની ખુલતાની સપાટી જ તેની લો સપાટી બની હતી. આમ કુલ 228 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 429 પોઇન્ટ એટલે કે 1.92 ટકા વધીને 22,828 પર બંધ રહ્યો હતો. એક પણ વાર પાછલા બંધથી નીચે ગયા વગર નિફ્ટી એક સમયે પાછલા બંધથી 524 પોઇન્ટ ઊંચકાયો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 727 પોઇન્ટ એટલે કે 1.84 ટકા વધીને 40,274 પર બંધ રહ્યો હતો. સ્મોલ કેપ શેરોમાં આજે તીવ્ર લેવાલી જોવા મળી હતી અને બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 1,352 પોઇન્ટ એટલે કે 3.04 ટકા વધીને 45,798ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 2,091 પોઇન્ટ એટલે કે 2.52 ટકા વધીને 84,550ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,079 શેર પૈકી 3,115 વધીને, 846 ઘટીને અને 118 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 401.55 લાખ કરોડ એટલે કે 4.66 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે બુધવારના રૂ. 393.82 લાખ કરોડથી રૂ. 7.73 લાખ કરોડનો વધારો દર્શાવે છે. આ સાથે બીએસઇનું એમ કેપ ફરી વાર રૂ. 400 લાખ કરોડના આંકને પાર કરી ગયું છે. સેન્સેક્સના 30 પૈકી 28 જ્યારે નિફ્ટીના 50 પૈકી 47 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેર પૈકી ટાટા સ્ટીલમાં 4.91 ટકાનો, પાવર ગ્રીડમાં 3.72 ટકાનો અને એનટીપીસીમાં 3.25 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટીસીએસ 0.43 ટકા અને એશિયન પેઇન્ટ્સ 0.76 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીના શેરો પૈકી હિંદાલકોમાં 6.70 ટકાનો, જેએસડબ્લ્યુ સ્ટીલમાં 4.99 ટકાનો, કોલ ઇન્ડિયામાં 4.60 ટકાનો, જિયો ફાયનાન્સમાં 4.29 ટકાનો અને ગ્રાસીમમાં 4 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે એપોલો હોસ્પિટલ 0.53 ટકા ઘટીને બંધ રહ્યો હતો.

આજે વોલેટાલિટી ઇન્ડેક્સ 6.17 ટકા ઘટીને 20.11ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પરના તમામ 14 સેકટોરલ ઇન્ડેક્સ આજે વધીને બંધ રહ્યા હતા, જે પૈકી 12 ઇન્ડેક્સ 1 ટકાથી વધુ વધ્યા હતા.

એફઆઇઆઇની રૂ. 2,519 કરોડની નેટ વેચવાલી

એફઆઇઆઇએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 2,519 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે ડીઆઇઆઇએ રૂ. 3,759 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે એફઆઇઆઇએ એપ્રિલ મહિનાના 8 સેશનમાં કરેલી નેટ વેચવાલીનો આંકડો રૂ. 34,641 કરોડ થાય છે, જ્યારે ડીઆઇઆઇની નેટ લેવાલીનો આંકડો રૂ. 27,587 કરોડ થાય છે. અગાઉ માર્ચ મહિનામાં રૂ. 2,014 કરોડની નેટ લેવાલી સાથે એફઆઇઆઇ પણ ભારતીય શેરબજારમાં નેટ બાયર્સ રહી હતી, જ્યારે ડીઆઇઆઇએ પણ આ મહિનામાં રૂ. 37,585 કરોડની નેટ લેવાલી કરી હતી.