યુએસએ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ડયૂટી લાદવાની જાહેરાત કરી તે પછી આજના પ્રથમ સેશનમાં આઇટી અને ઓટો શેરોમાં જોરદાર વેચવાલી અને ફાર્મા શેરોમાં તીવ્ર લેવાલી જોવા મળી હતી.
આવા ઘટનાક્રમ વચ્ચે દિવસને અંતે સેન્સેક્સ 322 પોઇન્ટ ઘટીને જ્યારે નિફ્ટી 23,300ની સપાટીથી નીચે બંધ રહ્યો હતો. બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી. યુએસ દ્રારા ભારત પર લાદવામાં આવેલી ડયૂટી તેના અન્ય સમકક્ષ દેશોથી ઓછી હોવાથી ભારતીય શેરબજાર પર આ પગલાંની વિપરીત અસર સીમિત રહી હતી એમ નિષ્ણાતો જણાવે છે. યુએસમાંથી આવકનો મોટો હિસ્સો મેળવતી આઇટી કંપનીઓ અને યુએસમાં નોંધપાત્ર પ્રમાણમાં એક્સપોર્ટ કરતી ઓટો કંપનીઓના શેરોમાં વેચવાલીનું દબાણ હતું, જ્યારે ફાર્મા ઉદ્યોગને રેસિપ્રોકલ ટેરિફમાંથી બાકાત રાખવામાં આવતા આ ક્ષેત્રના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આજે સાંકડી વધઘટ પણ ભારે ઉતારચઢાવ ધરાવતા સેશનમાં પ્રારંભે 806 પોઇન્ટ નીચામાં ખુલ્યા પછી સેન્સેક્સે આજે ઇન્ટ્રા ડેમાં 76,493ની હાઇ અને 75,807ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 686 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 322 પોઇન્ટ એટલે કે 0.42 ટકા ઘટીને 76,295ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રારંભે 182 પોઇન્ટ નીચામાં ખૂલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 23,306ની હાઇ અને 23,145ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 161 પોઇન્ટની વધઘટને અંતે નિફ્ટી 82 પોઇન્ટ એટલે કે 0.35 પોઇન્ટ ઘટીને 23,250ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 128 પોઇન્ટ એટલે કે 0.31 ટકા વધીને 41,976ની સપાટીએ જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 357 પોઇન્ટ એટલે કે 0.76 ટકા વધીને 47,494ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 1,997 પોઇન્ટ એટલે કે 2.34 ટકા વધીને 87,417ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ પર આજે ટ્રેડ થયેલા 4,123 શેર પૈકી 2,813 વધીને, 1,169 ઘટીને અને 141 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 413.33 લાખ કરોડ એટલે કે 4.82 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 412.98 કરોડથી રૂ. 35,000 કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 13 શેર જ્યારે નિફ્ટીના 50 પૈકી 21 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી પાવરગ્રીડ 4.34 ટકા, સન ફાર્મા 3.26 ટકા અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ 2.92 ટકા વધ્યો હતો, જ્યારે ટીસીએસમાં 3.98 ટકાનો, ટેક મહિન્દ્રામાં 3.79 ટકાનો, એચસીએલ ટેકમાં 3.71 ટકાનો અને ઇન્ફોસીસમાં 3.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી સિપ્લામાં 3.28 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ઓએનજીસી 2.81 ટકા અને વિપ્રો 2.64 ટકા ઘટયો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 0.89 ટકા ઘટીને 13.60 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી આઠ વધીને અને છ ઘટીને બંધ રહ્યા હતા.