એશિયાન બજારોમાં તેજી વચ્ચે શુક્રવારે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરે એવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે આ આશાવાદને પગલે આજે બજારમાં તેજી છવાઇ હતી અને ભારતીય શેરબજારના મુખ્ય સુચકાંકો અડધા ટકા જેટલા વધીને બંધ રહ્યા હતા.


ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂતાઇ અને ફાર્મા તથા રિઆલ્ટી સ્ટોક્સમાં તેજીને પગલે બજાર ઊંચામાં બંધ રહ્યું હતું અને ડોલરમાં નરમાશ, યુએસ બોન્ડની નીપજમાં ઘટાડો અને ક્રુડમાં પણ નરમાશ જેવા પરિબળોના કારણે બજારના ખેલાડીઓનું સેન્ટિમેન્ટ સુધર્યું હતું. ગઇકાલે એફઆઇઆઇ નેટ બાયર્સ રહી તેના કારણે પણ તેજીને બળ મળ્યું હતું. આ સાથે બજારમાં સતત બીજા સેશનમાં તેજી છવાઇ હતી.

પ્રારંભે 198 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી સેન્સેક્સે ઇન્ટ્રા ડેમાં 81,911ની હાઇ અને 80,983ની લો સપાટી બનાવી હતી. આમ કુલ 928 પોઇન્ટની વધઘટને અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ એટલે કે 0.55 ટકા વધીને 81,442ની સપાટીએ બંધ રહ્યો હતો અને 81,000નું સ્તર પાછું મેળવ્યું હતું. નિફ્ટીએ પણ પ્રારંભે 71 પોઇન્ટ ઊંચામાં ખુલ્યા પછી ઇન્ટ્રા ડેમાં 24,899ની હાઇ અને 24,613ની લો સપાટી બનાવી હતી અને 286 પોઇન્ટની વધઘટને અંતે 130 પોઇન્ટ એટલે કે 0.53 ટકા વધીને 24,750ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 177 પોઇન્ટ એટલે કે 0.39 ટકા વધીને 45,679ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 341 પોઇન્ટ એટલે કે 0.65 ટકા વધીને 53,210ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ પણ 225 પોઇન્ટ એટલે કે 0.22 ટકાના વધારા સાથે 1,02,592ની સપાટીએ બંધ રહ્યો હતો.

બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,129 શેર પૈકી 2,257 વધીને, 1,725 ઘટીને અને 147 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. બીએસઇનું એમ કેપ રૂ. 447.50 લાખ કરોડ એટલે કે 5.22 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું, જે ગઇકાલના રૂ. 445.20 લાખ કરોડથી રૂ. 2.3 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સેન્સેક્સના 30 પૈકી 18 અને નિફ્ટીના 50 પૈકી 34 શેર વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના શેરો પૈકી એટર્નલમાં 4.50 ટકાનો, પાવરગ્રીડમાં 1.96 ટકાનો, આઇસીઆઇસીઆઇ બેંકમાં 1.65 ટકાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 1.35 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેંકમાં 1.41 ટકાનો અને એક્સિસ બેંકમાં 1.06 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના શેરો પૈકી ટ્રેન્ટમાં 3.15 ટકાનો અને ડો. રેડ્ડીઝ લેબમાં 3.05 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ટાટા કન્ઝયુમરમાં 1.07 ટકાનો ઘટાડો નોંધાયો હતો.નિફ્ટી પરના 14 મુખ્ય સેકટોરલ ઇન્ડેક્સ પૈકી ચાર ઘટીને અને 10 વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી રિઆલ્ટીમાં 1.75 ટકાનો અને ફાર્મામાં 1.28 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પીએસયુ બેંક 0.58 ટકા ઘટયો હતો.

વોલેટાલિટી ઇન્ડેક્સ ત્રણ સેશનમાં 12% ઘટીને 2 મહિનાની નીચી સપાટીએ

 વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 4.20 ટકા ઘટીને 15.08ની સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવાનો દર હાલમાં 68 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે તેના કારણે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો કરે એવી પૂરેપૂરી શક્યતા છે તેના કારણે આજે ફિયરગેજ ઇન્ડેક્સ તરીકે ઓળખાતા આ ઇન્ડેક્સમાં આશરે 5 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો, જે સાથે આ ઇન્ડેક્સ છેલ્લા ત્રણ સેશનમાં 12 ટકા જેટલો ઘટયો છે. આજે ઇન્ટ્રા ડેમાં તો આ ઇન્ડેક્સ પાંચ ટકાથી પણ વધુ ઘટીને 14.98ની સપાટીએ પહોંચ્યો હતો. વોલેટાલિટી ઇન્ડેક્સની હાલની સપાટી છેલ્લા બે મહિનાની સૌથી નીચી સપાટી છે.

સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત ચોથા દિવસે તેજી

રિટેલ ઇન્વેસ્ટર્સમાં લોકપ્રિય એવા સ્મોલ કેપ શેરોમાં આજે પણ તેજી જોવા મળતાં નિફ્ટી સ્મોલ કેપ ઇન્ડેક્સ સતત ચોથા દિવસે વધીને બંધ રહ્યો હતો. આજે પણ સ્મોલ કેપ ઇન્ડેક્સે મુખ્ય સુચકાંકો અને મિડકેપ ઇન્ડેક્સની તુલનાએ આઉટપર્ફોમ કર્યું હતું. આજે કેટલાક સ્મોલ કેપ શેરોમાં તો ઇન્ટ્રા ડેમાં 12 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ જ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓના કુલ એમ કેપમાં રૂ. 17,000 કરોડનો વધારો નોંધાયો છે.

રિઆલ્ટી શેરોમાં ઇન્ટ્રા ડેમાં 6 ટકા સુધીનો વધારો । આરબીઆઇ આવતીકાલે વ્યાજદરમાં ઘટાડો કરશે એવી આશાએ આજે રિઆલ્ટી શેરોમાં ઇન્ટ્રા ડેમાં 6 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ 1.75 ટકા વધીને બંધ રહ્યો હતો. સોભા અને ડીએલએફ જેવા શેરોએ આજે રિઆલ્ટી શેરોમાં જોવા મળેલી તેજીની આગેવાની લીધી હતી. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી રિઆલ્ટી ઇન્ડેક્સ 2 ટકા જેટલો વધ્યો હતો, જ્યારે સોભા લિમિટેડમાં 8.71 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. આ સિવાય ઇન્ટ્રા ડેમાં બ્રિગેડ એન્ટરપ્રાઇસિસમાં 4.41 ટકાનો અને ડીએલએફમાં 2.77 ટકાનો વધારો નોંધાયો હતો. પ્રેસ્ટિજ એસ્ટેટ, ઓબેરોય રિઆલ્ટી, ગોદરેજ પ્રોપર્ટિઝ અને રેમન્ડ જેવા શેરોમાં 1થી 3 ટકાનો વધારો નોંધાયો હતો.

નિફ્ટી 19 સેશનથી 1,000ની રેન્જમાં અથડાયા કરે છે

નિફ્ટીએ 2025ની સૌથી નીચી સપાટી 21,744થી આશરે 16 ટકા વધીને 25,116ની સૌથી ઊંચી સપાટી બનાવી હતી. જોકે 9મી મેએ આ સૌથી ઊંચી સપાટી બનાવી તે પછી નિફ્ટી છેલ્લા 19 સેશનથી 24,000થી 25,000ની રેન્જમાં જ રહે છે અને 25,000થી ઉપર જવામાં ભારે પ્રતિકારનો સામનો કરે છે. આ 19 સેશન દરમિયાન નિફ્ટી કુલ નવ વાર 25,000થી ઉપર ગયો હતો અને ચાર વાર 25,000થી ઉપર બંધ રહ્યો હતો. છેલ્લે 15મી મેના રોજ નિફ્ટીએ 25,052 પર બંધ રહી આ સપાટી વટાવી હતી. નિષ્ણાતોના મતે હાલમાં શેરબજાર જે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યું છે તેના કારણે નિફ્ટી આ રેન્જમાં ટ્રેડ થવાનું ચાલુ રાખશે. આવા સંજોગોમાં જો આઇટ અને ઓટો સેકટરમાં તેજી આવે તો નિફ્ટી 25,000થી ઉપર જઇ શકે છે એવો મત વ્યક્ત કરતાં નિષ્ણાતો જણાવે છે કે આરબીઆઇ દ્રારા વ્યાજદરમાં મોટો ઘટાડો કરવામાં આવે અને જીએસટીની આવક મજબૂત થાય તો તેના કારણે નિફ્ટીને બળ મળી શકે છે.

  • Follow us on: