માધબી પૂરી બુચ જ્યારે બજારનું નિયમન કરતી સંસ્થા સિક્યોરીટઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)ના ચેરમેનટ હતા ત્યારે સેબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ED) તરીકે શિખા ગુપ્તાની પસંદગી કરવામાં આવી હતી.
હિંદુસ્તાન યુનિલિવર ખાતે ભૂતકાળમાં ટેક્સ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચુકેલા ગુપ્તાએ સેબીની આ ઓફર સ્વીકારી પણ હતી અને પોતે માર્ચ મહિનામાં સેબીમાં જોડાશે એમ જણાવ્યું હતું. જોકે હવે શિખા ગુપ્તાએ પોતે સેબીમાં જોડાવા માટે અસમર્થ છે એમ કહી આ ઓફર સ્વીકારવાનો ઇનકાર કરતાં આ ઘટનાક્રમે આૃર્ય ફેલાવ્યું છે, કારણ કે સામાન્ય રીતે સેબી જેવી સંસ્થાનું આટલું મોટું પદ કોઇ ઠુકરાવે એવું અગાઉ જોવા મળ્યું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શિખા ગુપ્તાએ સેબીમાં જોડાવાનો ઇનકાર કરી દેતી સેબી હવે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની પસંદગી માટેની પ્રક્રિયા નવેસરથી શરૂ કરશે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ શિખા ગુપ્તાની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની પસંદગી વિવાદાસ્પદ બની હતી, કારણ કે તેઓ અગાઉ જે કંપનીમાં કામ કરી ચુક્યા હતા તે હિંદુસ્તાન યુનિલિવર સાથે સેબીના પૂર્વ વડા માધબી પૂરી બુચના પતિ ધવલ બુચ પણ જોડાયેલા હતા અને આ કંપનીમાં ધવલ બુચે એક ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું હતું. સેબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે શિખા ગુપ્તાની પસંદગી થઇ તેનાથી સેબીના કેટલાક ઉચ્ચ પદાધિકારીઓ નારાજ પણ હતા કારણ કે માધબી પુરી બુચનો કાર્યકાળ પૂરો થાય તેના થોડા સમય પહેલાં જ આ નિમણુંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સેબીના વડા તરીકેનો માધબી પુરી બુચનો ત્રણ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી, 2025માં પૂરો થયો હતો અને કેન્દ્ર સરકારના ઉચ્ચ આઇએએસ અધિકારી તુહિન કાંત પાંડેએ પહેલી માર્ચના રોજ સેબીના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. શિખા ગુપ્તાએ માર્ચ મહિનામાં જ સેબીમાં જોડાવાનું સ્વીકાર્યું હતું.
શિખા ગુપ્તાની નિમણુંક સામે સવાલ ઉઠાવતા સેબીના અન્ય પદાધિકારીઓએ એવો વાંધો લીધો હતો કે ગુપ્તા ટેક્સેસનામાં કારકીર્દી ધરીવે છે, એવા સંજોગોમાં તેઓ નિયમનકારી સંસ્થામાં કેવી રીતે આટલી મોટી જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકે. અગાઉ માધબી પૂરી બુચે પ્રમોદ રાવની સેબીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરી હતી. રાવ અગાઉ આઇસીઆઇસીઆઇ બેંક સાથે જોડાયેલા હતા અને માધબી પુરી બુચે તેમની કારકીર્દિનો સૌથી વધુ સમય આ બેંકમાં જ ઉચ્ચ હોદ્દાઓ પર રહી વીતાવ્યો છે. સેબીના ચેરમેન અને હોલટાઇમ મેમ્બરની નિમણુંક સરકાર કરે છે, જ્યારે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની નિમણુંક કરવાની સત્તા સેબીના ચેરમેન પાસે છે. જોકે ચેરમેનને આ નિયુક્તિ માટે બોર્ડની મંજૂરી લેવી પડે છે.