અમદાવાદમાં તા.5 જુને ચાંદી તેની અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટી 1,03,000 રૂપિયે પ્રતિ કિલોના ભાવે પહોંચી ગઇ હતી.
ગુરૂવારે ચાંદીના ભાવમાં એક સામટો બમ્પર 3,500 રૂપિયોના ઉછાળો જોવા મળ્યો હતો. જે પણ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. ચાંદીએ આજે સ્થાનિક, દેશમાં તેમજ વિદેશમાં મળીને ચારેય દિશામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. વૈશ્વિક સ્તરે ચાંદી 150 સેંન્ટ વધીને 35.77 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. જ્યારે MCX માર્કેટમાં પણ ચાંદીનો જલવો જોવા મળ્યો હતો. ચાંદીના જુલાઇ માસના વાયદામાં પણ 3,503 રૂપિયાના વધારા સાથે ચાંદી 1,04,883 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. જ્યારે કોમેક્સ બજારમાં 1,342 સેંન્ટ વધીને ચાંદી 35,990 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. અમદાવાદમાં ચાંદી ચાલુ વર્ષે આ પાંચમી વખત એક લાખ રૂપિયા કે તેથી વધુના ભાવે રહી છે. બીજી બાજુ સોનામાં પણ આજે ભારે તેજી જોવા મળી હતી. સોનું પણ તેની ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 500 રૂપિયા છેંટુ રહ્યું હતું. તા.5 જુને 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 1,01,000 રૂપિયા બોલાયો હતો. અમદાવાદમાં સોનું પણ ચાલુ વર્ષે પાંચમી વખત એક લાખ તે તેથી વધુના ભાવે રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું 46 ડોલર વધીને 3,398 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. MCX માર્કેટમાં ગુરૂવારે સોનામાં જુન માસનો વાયદો 718 રૂપિયા વધીને 97,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 18.90 ડોલર વધીને 3,418 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. વૈશ્વિક આર્થિક અને રાજકિય અસ્થિરતાનો માહોલ, ડોલર અને રૂપિયો બંને કમજોર થવા, શેરબજારમાં અનિશ્ચીતાનો માહોલ, વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસવી, અમેરિકાની ટેરિફ નીતિ સહિતના વિવિધ કારણોસર તેજી જોવા મળી રહી છે. ચાંદીની વધતી જતી માંગને લઇને રોકાણકારોએ તેના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં મન મુકીને રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. સોનાની જેમ ચાંદીમાં પણ રોકાણને સુરક્ષિત માનવામાં આવે છે. ઉધોગોમાં વધતી જતી માંગ ચાંદીના ભાવ વધારાનું સૌથી મોટુ કારણ છે. ચાંદીનો ઉપયોગ સોલર પેનલ, ઇવી બેટરી, ચિકિત્સા ઉપકરણ અને જળ શુદ્ધીકરણ ટેકનોલોજી માટે મહત્વપૂર્ણ ઉપયોગ થાય છે.
