અમદાવાદ સોના-ચાંદી બજારમાં સપ્તાહના છેલ્લા દિવસ શનિવારે ચાંદીમાં 4,000 રૂપિયાનું મોટું ગાબડું પડયું હતું. જ્યારે સોનામાં પણ એપ્રિલ માસમાં સૌથી મોટા ગાબડા સમાન 1,700 રૂપિયા તૂટયા હતા. હજુ પાંચ દિવસ પહેલા 1 લાખ રૂપિયે રમતી ચાંદી હાલ 89,000 રૂપિયાના સ્તરે આવી ગઇ છે.


એટલેકે ચાંદીમાં સીધેસીધું 11 હજાર રૂપિયાનું મોટું ગાબડું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં શનિવારે 24 કેરેટ સોનામાં 10 ગ્રામનો ભાવ 91,500 રૂપિયા બોલાયો હતો. વૈશ્વિક બજારમાં સોનામાં 71 ડોલર ઘટીને સોનું 3,037 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદીમાં 164 સેંન્ટ ઘટીને ચાંદી 29.62 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.

કોમેક્સ બજારમાં સોનું 65.60 ડોલર ઘટીને 3,056.10 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 2.175 સેંન્ટ ઘટીને 29,795 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં એપ્રિલ માસનો વાયદો 262 રૂપિયા વધીને 88,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે MCX ચાંદીમાં મે માસનો વાયદો 220 રૂપિયા વધીને ચાંદી 87,431 રૂપિયા પ્રતિ કિલો થઇ હતી. ચાંદીમાં એપ્રિલ માસમાં છેલ્લા પાંચ દિવસમાં જ 11 હજાર રૂપિયા તૂટયા છે. ગત તા. 31 માર્ચે 1,00,000 રૂપિયે કિલોએ પહોંચેલી ચાંદી હાલ તૂટીને 89,000 રૂપિયાના ભાવે આવી ગઇ છે. જેને લઇને ચાંદીમાં મોટાપાયે રોકાણ કરનારાઓ હાલ ફસાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે સોનામાં પણ એપ્રિલ માસમાં પીછેહઠ જોવા મળી રહી છે. છેલ્લા ચાર જ દિવસમાં સોનામાં 2,500 રૂપિયા તૂટયા છે. અમેરિકા દ્વારા શરૂ કરાયેલી ટેરિફ વોરની સ્થિતિ દુનિયાના દેશમાં આર્થિક ક્ષેત્રે ભારે ઉથલપાથલ મચાવી રહી છે. શેરબજારો તૂટી રહ્યા છે. વૈશ્વિક વેપારની સ્થિતિ પણ ડામાડોળ થઇ ગઇ છે. તેવામાં સોના-ચાંદીના વેપારમાં રોકાણ વધ્યું છે. ત્યારે એપ્રિલ માસમાં સોના-ચાંદીમાં જે રીતે ભાવ તૂટી રહ્યા છે. તેને લઇને સોના-ચાંદીમાં રોકાણ કરનારાઓ પણ ચિતિંત બન્યા છે.


  • Follow us on: