અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે ચાંદીમાં 3,500 રૂપિયાનું ચાલુ વર્ષનું સૌથી મોટું ગાબડું પડયું હતું. આ સાથે ચાંદી 29 દિવસના તળિયાના ભાવે બેસી ફરી ગત તા. 5 માર્ચે બનાવેલી 96,000 રૂપિયાની સપાટીના ભાવે પહોંચી ગઇ હતી.

ચાંદીએ માર્ચ-એપ્રિલ માસમાં જબરદસ્ત પ્રદર્શન કરીને છેલ્લે તા. 28 માર્ચે 1,01,000 રૂપિયાની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત ઉપર 27 ટકા ટેરિફ ઝીંકી દેતાની સાથે જ આજે ચાંદીના ભાવમાં આ મોટાપાયાની પીછેહઠ જોવા મળી હતી. બુધવારે 99,500 રૂપિયાના સ્તરે બંધ થયેલી ચાંદી ગુરુવારે સીધી જ નીચા ભાવે સરકીને 96,000 રૂપિયે પહોંચી ગઇ હતી. જ્યારે સોનામાં 400 રૂપિયા ઘટીને 10 ગ્રામ સોનાનો ભાવ 93,400 રૂપિયા થયો હતો.

વૈશ્વિક બજારમાં સોનું 12 ડોલર ઘટીને 3,106 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદીમાં 150 સેંન્ટ ઘટીને 32.40 ડોલર પ્રતિ ઔંસ ચાંદી થઇ હતી. કોમેક્સ બજારમાં સોનું 53.20 ડોલર ઘટીને 3,113 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 2.060 સેંન્ટ ઘટીને 32,590 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX સોનામાં એપ્રિલ માસનો વાયદો 1,153 રૂપિયા ઘટીને 89,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનું થયું હતું. જ્યારે ચાંદીમાં મે માસનો વાયદો 4,338 રૂપિયા ઘટીને 99,415 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.